Trending News
સ્થાનિક સમાચાર

ભુજના વોર્ડ નં. ૨માં મૂળભૂત સુવિધાઓના અભાવે આંદોલનની ચીમકી

18 August



ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકાના વોર્ડ નં. ૨ના કાઉન્સિલર રોશનબેન હારૂન ત્રાયા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ભીડ ગેટથી મહિલા કલ્યાણ કેન્દ્ર ચોકડી સુધીના મુખ્ય માર્ગ સહિત સમગ્ર વોર્ડ નં. ૨માં છેલ્લા ૬ મહિનાથી શેરી અને ડિવાઇડર લાઇટો બંધ હાલતમાં છે. આ માર્ગ એરફોર્સ, પોલીસ ક્વાર્ટર્સ, જેલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને ખાવડા કે પ્રવાસન સ્થળોએ જતા સૈનિકો તથા સ્થાનિકો માટે અત્યંત મહત્વનો હોવાથી રાત્રિના સમયે અંધારપટને કારણે અસુરક્ષા અને મુશ્કેલી ઊભી થાય છે. 
આ ઉપરાંત વિરોધ પક્ષના નગરસેવક હોવાના કારણે રાજકીય ભેદભાવ રાખી પાણી, ગટર, રોડ અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓથી વિસ્તારને વંચિત રાખવામાં આવી રહ્યો છે. તેમજ અધિકારીઓ નાગરિકો અને વિરોધ પક્ષના નગરસેવકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠાવાઈ છે. અંતમાં, વોર્ડની લાઇટોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી રિપેરિંગ કરવા, પાણી-ગટરના પ્રશ્નો ઉકેલવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જો આ મૂળભૂત સમસ્યાઓનું સમયસર નિરાકરણ નહીં આવે, તો નગરપાલિકા કચેરીમાં ગાંધીચિંધ્યા માર્ગે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ વેળાએ કિશોરદાન ગઢવી, આઈસુબેન સમા, હારુન ત્રાયા, ફકીરમામદ કુંભાર, ચેતન શાહ, આદિલ જત વગેરે હાજર રહ્યા હતા.
----------- 

Comments

COMMENT / REPLY FROM