એબીઆરએસએમ કચ્છ દ્વારા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીને વિવિધ શૈક્ષણિક પ્રશ્નો અંગે પાઠવાયા આવેદનપત્રો
ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ જિલ્લા એકમ દ્વારા શિક્ષકોની ગરિમા, શૈક્ષણિક સ્વતંત્રતા અને તેમના ન્યાયિક અધિકારોના રક્ષણ માટે કચ્છ જિલ્લા કલેક્ટર મારફતે દેશના પ્રધાનમંત્રીશ્રી, કેરળના મુખ્યમંત્રી, કેરળના રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંયુક્ત રીતે આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર મારફતે રજૂ કરવામાં આવેલા આ આવેદનપત્રોમાં મુખ્યત્વે બે મહત્વના શૈક્ષણિક મુદ્દાઓ પર તાત્કાલિક અને ન્યાયસંગત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે, જેમાંં કેરળમાં સાવરકર અંગેના પ્રશ્ન બદલ શિક્ષકના નિલંબન સામે તીવ્ર વિરોધ અને સાબરકાંઠાની હસનપુર પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય સામેની કાર્યવાહીની પુનઃવિચારણા કરવા જણાવાયું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિક્ષકોના હિત, તેમની ગરિમા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે આ બંને બાબતોમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા મંત્રી મયુરભાઈ પટેલ,જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહની યાદીમાં જણાવાયું હતું.
---------

Comments