માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ સાથે ઝડપાયો
માંડવી - કચ્છઉદય : કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં ઓનલાઈન આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને માંડવી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંડવી પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ રામભાઈ ખીમરાજભાઈ નાંધાણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કંસારા બજાર પાસે રેઇડ કરવામાં આવી હતી.રેઇડ દરમિયાન કંસારા બજાર ખાતે રહેતો ૨૪ વર્ષીય જેમીન લલીતભાઈ સોની ઓનલાઈન એપ્લિકેશન અને સાઈટ દ્વારા જુગાર રમતો પકડાઈ ગયો હતો. આરોપી પોતાના અંગત ફાયદા માટે ફોનમાં ઓનલાઈન સાઈટનો ઉપયોગ કરી જમૈકા અને ગિયાના વોરિયર્સ વચ્ચે રમાઈ રહેલ કેરેબિયન પ્રીમિયર લીગ ટી ૨૦ ક્રિકેટ મેચ પર રન ફેર અને હાર-જીતનો ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૨,૪૦૦, રૂપિયા ૩,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન તથા ઓનલાઈન આઈડીમાં રહેલું ૧,૩૧,૮૦૦ રૂપિયાનું બેલેન્સ મળી કુલ રૂપિયા ૧,૪૭,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુન્હાની વધુ તપાસ એ.એસ.આઈ. દિક્ષાંતભાઈ કે. કરમટા ચલાવી રહ્યા છે.

Comments