કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદઃ ૫.૪૧ લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
ઘરમાંથી ચોરાયેલા રૂ.૪.૮૮ લાખના સોના-ચાંદીના દાગીના સહિત બાઈક અને મોબાઈલ કબજે; ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પૂર્વ કચ્છ LCB મ્ની સફળ કાર્યવાહી
ગાંધીધામઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિડાણા ગામમાં તા.૧૩ ઓગસ્ટની રાત્રે થયેલી ઘરફોડ ચોરીનો પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે આરોપીઓને રૂ.૫,૪૧,૪૩૫ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.ફરિયાદી હાજી આમદભાઈ છુછીયાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી રસોડામાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCB PI જે.એમ. વાળાની આગેવાનીમાં અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે LCB મ્ને આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે લક્ષનગર કિડાણાથી આદિપુર તરફ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે કિડાણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી મોટરસાઇકલ પર આવતા જુમા આમદ રોહા (ઉ.વ.૪૦) અને ઇબ્રાહીમ ઉર્ફે ગોબલી હુશેન ચાવડા (ઉ.વ.૨૬), બંને રહે. કિડાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો હાર, કાનની ઈયરિંગ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીની પાયલ, સાંકરા, લડી અને બંગડી સહિત રૂ.૪,૮૮,૧૩૫ના સોના-ચાંદીના દાગીના, બે મોબાઈલ ફોન અને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી કુલ રૂ.૫,૪૧,૪૩૫નો મુદ્દામાલ કબજે કર્યો છે..પોલીસની વિગતો અનુસાર આરોપી જુમા આમદ રોહા સામે અગાઉ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ, ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરી LCB PI જે.એમ. વાળા,PSI ડી.જી. પટેલ તથા પૂર્વ કચ્છ LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments