મુન્દ્રાના નાના કપાયાની બાળકીને મળ્યું નવજીવન
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સમયસર સ્ક્રીનિંગથી જન્મજાત હૃદયની ખામીનું સફળ ઓપરેશન : આરબીએસકે ટીમની સતર્કતાથી બાળકીને આયુષ્માન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્યલક્ષી યોજનાનો લાભ મળ્યો
મુન્દ્રા - કચ્છઉદય : રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી ‘૪-ડી સ્ક્રીનિંગ’ કામગીરી બાળકો માટે જીવન બચાવનારી બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ મુન્દ્રા તાલુકામાં જોવા મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમની સમયસર ઓળખ અને સતત ફોલોઅપના કારણે જન્મજાત હૃદયની ખામી ધરાવતી મુન્દ્રાના નાના કપાયા ગામની ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યા મહેશ્વરીનું સફળ ઓપરેશન કરવામાં આવતાં તેને નવું જીવન પ્રાપ્ત થયું છે.
મુન્દ્રા તાલુકાની શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે આરબીએસકે ટીમ દ્વારા ‘૪-ડી સ્ક્રીનિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નાના કપાયા ગામ ખાતે તપાસ કરતા એક બાળકીમાં જન્મજાત હૃદયની ખામી હોવાનું સમયસર નિદાન થયું હતું. રોગની ગંભીરતા પારખીને આરબીએસકે ટીમે તાત્કાલિક બાળકીને વધુ તપાસ અને નિષ્ણાત સારવાર માટે રિફર કરી હતી. આ સાથે બાળકીના વાલીને તેની વાસ્તવિક સ્થિતિ સમજાવીને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ટીમના સંકલનથી બાળકીને સમયસર અને યોગ્ય સારવાર પ્રાપ્ત થઈ હતી.
કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, આરસીએચઓ અને મુન્દ્રાના તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડૉ. યોગી, ડૉ. અવની, ફિમેલ હેલ્થ વર્કર મનીષાબેન અને ફાર્માસિસ્ટ આકાંક્ષાબેન સહિતની મુન્દ્રા આરબીએસકે ટીમે દસ્તાવેજી કાર્યવાહીથી લઈને સારવાર સુધીની તમામ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમના અવિરત પ્રયાસોથી બાળકને ‘આયુષ્માન કાર્ડ’ થકી સરકારની આરોગ્યલક્ષી યોજનાનો મહત્તમ લાભ પ્રાપ્ત થતાં તેનું સફળ હૃદય ઓપરેશન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ઓપરેશન બાદ પણ આરબીએસકે ટીમે બાળકીના ઘરે જઈને પોસ્ટ-ઓપરેટિવ મુલાકાત લીધી હતી અને વાલીને જરૂરી કાળજી તેમજ આરોગ્ય અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલમાં આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમની આ સફળતા સાબિત કરે છે કે, આ કાર્યક્રમ માત્ર સામાન્ય તપાસ પૂરતો સીમિત નથી, પરંતુ તે બાળકોમાં રહેલી ગંભીર અને જન્મજાત બીમારીઓની વહેલી ઓળખ કરીને તેમને યોગ્ય સારવાર સુધી પહોંચાડવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
----

Comments