Trending News
સ્થાનિક સમાચાર

સગીર પુત્રીને આત્મહત્યા માટે મજબૂર કરનાર નિર્દય પિતાને આજીવન કેદ

13 August



ભુજ સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : કલમ ૩૦૫ અને પોક્સો હેઠળ કડક સજા ફટકારી : પીડિતાની માતાને રૂ. ૫ લાખનું વળતર ચૂકવવા ભલામણ

ભુજ - કચ્છઉદય : ભુજની સ્પેશિયલ અદાલતે સમાજ માટે અત્યંત શરમજનક અને કલંકરૂપ કિસ્સામાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. પોતાની જ ૧૭ વર્ષની સગીર પુત્રીને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર નિર્દય પિતાને ભુજ કોર્ટે આજીવન સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
આ ઘટનાની વિગતો અનુસાર, માંડવીના દીવાદાંડી વિસ્તારમાં રહેતો અને ઓમાન ખાતે કામધંધો કરતો ૪૭ વર્ષીય આરોપી કમલેશ પરષોત્તમ કષ્ટવાલા અવાર-નવાર પોતાના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેણે પોતાની સગીર દીકરી સાથે વિડીયોકોલ તેમજ રૂબરૂમાં અશ્લીલ અને બીભત્સ વાતો કરી અયોગ્ય માગણીઓ મૂકી હતી. પિતાના આ વિકૃત કૃત્ય અને સતત માનસિક ત્રાસથી તંગ આવીને સગીર પુત્રી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ શરમજનક બનાવ અંગે ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ દ્વારા પૂરતા પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન પીડિતા સગીર વયની હોવાનું સાબિત થતાં કોર્ટે કલમમાં સુધારો કરી આઈપીસી કલમ ૩૦૫ હેઠળ કેસ ચલાવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીઓની તપાસ કરીને ધારદાર દલીલો રજૂ કરી હતી. આ ધારદાર રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને રાખીને ભુજ સ્પેશિયલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને આઈપીસી કલમ ૩૦૫ હેઠળ આજીવન સખત કેદની સજા અને રૂ. ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ૩ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦,૦૦૦ નો દંડ પણ કર્યો છે. સાથે જ અદાલતે પીડિતાની માતાને રૂ. ૫,૦૦,૦૦૦ નો વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ખાસ ભલામણ કરી છે. સમાજને લાલબત્તી ધરતો અને કડક સંદેશ આપતો આ ચુકાદો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
------- 

Comments

COMMENT / REPLY FROM