ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને ફેરીયાઓને હટાવવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવા કરાઈ અરજી
ભુજ : તાજેતરમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી જી.કે. જનરલ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં રોજગાર મેળવતા ફેરીયાઓને માત્ર ટૂંકી મુદ્દતમાં મૌખિક સૂચના આપી તેમના રોજગારના સ્થળેથી હટી જવા તાકીદ કરવામાં આવી છે ત્યારે જી. કે. જનરલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં વેપાર કરતા ફેરીયાઓએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને સ્થાનિક તંત્રને ફેરીયાઓને હટાવવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવા લેખિત અરજી કરી છે.
લેખિત અરજીમાં દર્શાવવામાં આવ્યું છે કે, અગાઉ પણ જી.કે. જનરલ હોસ્પિટલ સામે રોજગાર મેળવતા ફેરીયાઓને તેમના રોજગારના સ્થળેથી હટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત ફેરીયાઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે તા. ૨૫ જુલાઈ, ૨૦૨૩ના રોજ આપેલા ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે વેન્ડિંગ સર્ટિફિકેટના નિયમો અનુસાર સંબંધિત યાચિકાકર્તા ફેરીયાઓને તેમના નિર્ધારિત સ્થળે રોજગાર-વ્યવસાય કરવાની છૂટ છે. આમ હાઈકોર્ટના ચુકાદા અને ફેરીયાઓને પ્રાપ્ત કાયદેસર હકો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ફરી એકવાર કોઈપણ લેખિત નોટિસ, કાયદેસર પ્રક્રિયા અથવા યોગ્ય કારણ દર્શાવ્યા વિના માત્ર મૌખિક સૂચના આપીને ફેરીયાઓને તેમના રોજગારના સ્થળેથી હટી જવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ફેરીયાઓની આજીવિકા અને કાયદેસર રોજગારના અધિકાર પર સીધી અસર કરે છે તથા માનનીય હાઈકોર્ટના ચુકાદાની અવમાનના સમાન પણ છે. હાઈકોર્ટના ચુકાદાનો અમલ એ સ્થાનિક તંત્રની કાયદેસરની ફરજ છે.
ફેરિયાઓ દ્વારા સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે, જી.કે. જનરલ હોસ્પિટલ સામે ના વિસ્તારમાં ફેરીયાઓને હટાવવાની અથવા સ્થળાંતર કરવાની કોઈપણ કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના તા. ૨૫ જુલાઈ, ૨૦૨૩ના ચુકાદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. ફેરીયાઓ સામે કોઈ કાર્યવાહી જરૂરી જણાય તો પણ કાયદેસરની પ્રક્રિયા, યોગ્ય નોટિસ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કોઈ મૌખિક આદેશ કે દબાણ કરવામાં ન આવે. ભુજ નગરપાલિકા તથા સંબંધિત સ્થાનિક તંત્ર ભારતીય બંધારણ તેમજ માનનીય હાઈકોર્ટના ચુકાદાનું સન્માન કરી ફેરીયાઓના કાયદેસર હકો અને આજીવિકાનું રક્ષણ કરશે તથા હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ જતી કોઈપણ કાર્યવાહી કરશે નહીં; આ બાબતે લેખિત સ્પષ્ટતા ફેરિયાઓ દ્વારા માંગવામાં આવી છે.
----

Comments