ભારતનગરમાં દાદાગીરી બાદ પોલીસનો સકંજો : બંને આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
PI એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ છ-ડિવિઝન પોલીસનું ઝડપી ડિટેક્શન; બંને આરોપીઓને દબોચી ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન, ભારતનગર વેપારી એસોસિએશને કામગીરી બિરદાવી માન્યો આભાર
ગાંધીધામ : ભારતનગર મેઈન રોડ પર ધાર્મિક કોમ્પ્લેક્સ નજીક આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં ગાંધીધામ છ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી અવેશ સિધિક સુમરા (ઉ.વ.૨૩), રહે. ૯-B ભારતનગર અને સરફરાજ મેહબૂબભાઈ ચૌહાણ, રહે. કિડાણાને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન
કરાવ્યું હતું.૧૨ ઓગસ્ટની સાંજે બનેલી ઘટનામાં ફરિયાદી નારાયણલાલ નંદરામ તેલી (ઉ.વ.૧૯)ની ફરિયાદ મુજબ, આગલા દિવસે ખાલી ગ્લાસ માંગવા બાબતે થયેલા મનદુઃખને લઈને કાળા રંગની ક્રેટા કારમાં બે શખ્સો આવ્યા હતા. ફરિયાદમાં આરોપ છે કે બંનેએ વેપારી સાથે ધક્કાબુક્કી કરી છત્રી વડે માર માર્યો હતો તેમજ ગાળો આપી ધમકી આપી હતી.આ દરમિયાન સાક્ષી તિલોકચંદ ઈશ્વરલાલ મંગલાણી ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે પૂરઝડપે કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આરોપ છે. બનાવ બાદ બંને શખ્સો સ્થળ પરથી નાસી ગયા હતા. ગાંધીધામ છ-ડિવિઝન પોલીસે BNS ની હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી PI એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ છ-ડિવિઝન પોલીસે ઝડપી ડિટેક્શન કરી અવેશ સુમરા અને સરફરાજ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બનાવની કડીઓ મેળવવા બંનેને ભારતનગર ખાતે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. કેસની વધુ તપાસ PSI વી.એચ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.દરમિયાન ભારતનગર
વેપારી એસોસિએશને છ-ડિવિઝન પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવી હતી તેમજ ટૂંકા સમયમાં બંને આરોપીઓને ઝડપી પાડવા બદલ PI એમ.જે. રાઠોડ અને પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments