ભુજમાં ૮૧ વર્ષીય એનઆરઆઈ વૃદ્ધા સાથે લાખોની છેતરપિંડી
આધારકાર્ડ કઢાવવાના બહાને અસલ દસ્તાવેજો અને સહીઓ મેળવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી મકાન વેચી માર્યાનો આક્ષેપ
ભુજ - કચ્છઉદય : લંડન ખાતે રહેતા અને ભુજમાં મિલકત ધરાવતા ૮૧ વર્ષીય સિનિયર સિટીઝન મહિલા સાથે આધારકાર્ડ કઢાવી આપવાના બહાને લાખોની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના અસલ મિલકતી દસ્તાવેજો મેળવી તેમની જાણ બહાર પાવર ઓફ એટર્ની બનાવી મકાન અન્ય વ્યક્તિના નામે વેચી માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે માંડવી તાલુકાના બીદડાના એક જ પરિવારના શીવજીભાઈ સંગાર, ચંપાબેન સંગાર, પુપુલ સંગાર, ધર્મેશ સંગાર અને અંજનાબેન રોબીન સંગાર સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ લંડન તથા વડોદરા ખાતે રહેતા ૮૧ વર્ષીય લલીતાબેન બાબુલાલ પરમાર બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અને અવારનવાર ભારત આવતા હોય છે. વર્ષ ૨૦૦૬માં તેમણે ભુજના આશાપુરા પાર્કમાં પ્લોટ નં. ૩૭/૩૮/સીમાં ૧૦૬-૬૭ ચો.મી. જમીન તથા ૬૪-૫૭ ચો.મી. બાંધકામ ધરાવતું રહેણાંક મકાન રૂ.૩ લાખમાં ખરીદ્યું હતું. હાલ આ મકાનમાં તેમના નણંદ તથા તેમનો પરિવાર રહે છે. મે ૨૦૨૨માં લલીતાબેન ભુજ આવ્યા ત્યારે તેમને આધારકાર્ડની જરૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન એક પરિચિત મારફતે જમીન લે-વેચનું કામ કરતા શીવજીભાઈ સંગાર તથા તેમના વકીલ પુત્રો પુપુલ સંગાર અને ધર્મેશ સંગારના સંપર્કમાં આવ્યા હતા.
આધારકાર્ડ કઢાવવા માટે ભારતના આધાર પુરાવા તરીકે મકાનના અસલ દસ્તાવેજોની જરૂર પડશે તેમ કહી શીવજીભાઈએ લલીતાબેન પાસેથી તેમના મકાનના અસલ દસ્તાવેજો મેળવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ત્યારબાદ તા. ૯ જૂન ૨૦૨૨ના રોજ ધર્મેશ સંગાર લલીતાબેનને પોતાની કારમાં બેસાડી ભુજની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે લઈ ગયા હતા. આધારકાર્ડ બનાવવા માટે સહીઓ કરવી પડશે તેમ કહી ગુજરાતી ભાષાની ઓછી જાણકારી ધરાવતા લલીતાબેન પાસેથી વિવિધ કાગળો પર સહીઓ કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. થોડા દિવસ બાદ લલીતાબેનને વિદેશી નાગરિક હોવાથી આધારકાર્ડ બની શકે નહીં તેમ જણાવાયું હતું. ત્યારબાદ અસલ દસ્તાવેજો પરત માંગતા આરોપીઓ દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ મામલે લલીતાબેન બાબુલાલ પરમારે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
.....................
૨૦૨૫માં મકાનના બારોબાર વેચાણનો ભાંડો ફૂટ્યો
સમગ્ર મામલો વર્ષ ૨૦૨૫માં સામે આવ્યો હતો. લલીતાબેને પોતાનું ભુજનું મકાન તેમના નણંદના પરિવારને વેચવાનું નક્કી કરી ટાઇટલ ક્લિયરન્સ માટે નગરપાલિકામાં તપાસ કરાવતા મકાન અંજનાબેન રોબીન સંગારના નામે ચડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં એવો આક્ષેપ સામે આવ્યો કે આધારકાર્ડના બહાને સબ રજીસ્ટ્રાર કચેરીમાં લલીતાબેન પાસેથી લેવામાં આવેલી સહીઓના આધારે ચંપાબેન શીવજી સંગારના નામે પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાવર ઓફ એટર્નીના આધારે લલીતાબેનની માલિકીનું મકાન રૂ.૯.૮૨ લાખમાં અંજનાબેન રોબીન સંગારને વેચી દીધાનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ આ દસ્તાવેજમાં પણ લલીતાબેનની ખોટી સહીઓ કરવામાં આવી હતી.
..........................
ફોન પર મકાનની કિંમત ચૂકવવાનું કહી નંબર બ્લોક કર્યો
મકાન અંગે હકીકત જાણવા મળ્યા બાદ લલીતાબેને શીવજીભાઈ સંગારને ફોન કરી સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. ત્યારે શીવજીભાઈએ, ફરિયાદ મુજબ, જે થયું તે થઈ ગયું, હવે તમને હું મકાનની કિંમત ચૂકવી આપીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેમનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Comments