સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એચઆઈવી જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય એઈડ્સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં તા. ૧૨ ઓગસ્ટથી ૧૨ ઓક્ટોબર દરમિયાન સઘન એચઆઈવી અભિયાન-૩.૦ યોજાઈ રહ્યું છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં સઘન એચઆઈવી જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ ખાતે એચઆઈવી જાગૃતિ રેલી અને જાગૃતિ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના દિશાનિર્દેશન હેઠળ તથા જિલ્લા ટીબી - એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. મનોજ દવેએ જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની એનએસએસની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા એચઆઈવી - એઈડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. એચઆઈવીથી બચવાના ઉપાયો, સમયસર એચઆઈવી ટેસ્ટિંગ અને સારવાર તથા એચઆઈવી સાથે સંકળાયેલા ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલી બાદ યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં એઈડ્સ - એચઆઈવી તથા ટીબી અંગેની જરૂરી સમજણ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને એચઆઈવીના સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ટીબીના લક્ષણો, સમયસર તપાસ, નિયમિત અને સંપૂર્ણ સારવાર તથા ટીબીથી બચવા માટેની સાવચેતીઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો આવવા જેવા લક્ષણો જણાય તો નજીકની આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવા અંગે અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, ઉપપ્રમુખ મનસુખ દબાસિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા તથા સહમંત્રી લક્ષ્મણભાઈ હિરાણી તરફથી મળેલા સહયોગ બદલ કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આચાર્યા મનીષાબેન વાગડિયા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અનિતાબેન ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહયોગ આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એનટીઈપી સ્ટાફ, એનજીઓના કાર્યકરો, દિશા સંસ્થાના પ્રતિનિધિઓ, એનએસીબી કચ્છ જિલ્લા સ્ટાફ તથા એનએસએસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારી રહી હતી. સઘન આઈઈસી અભિયાન-૩.૦નો મુખ્ય હેતુ યુવાનો અને જનસમુદાયમાં એચઆઈવી - એઈડ્સ તથા ટીબી અંગે વૈજ્ઞાનિક અને સાચી માહિતી પહોંચાડવી, ગેરમાન્યતાઓ દૂર કરવી તથા જરૂરી વ્યક્તિઓને સમયસર ટેસ્ટિંગ, નિદાન અને સારવારની સેવાઓ સાથે જોડવાનો છે.
----

Comments