Trending News
સ્થાનિક સમાચાર

ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ સપ્તાહની ઉજવણીનું આયોજન

12 August



ભુજ - કચ્છઉદય : અવકાશ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે બાળકો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય લોકોમાં જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી રિજનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે ૧૨ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેના અંતર્ગત અવકાશ વિજ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે સમજાવવા માટે વિવિધ શૈક્ષણિક, સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અવકાશ સપ્તાહ દરમિયાન રોકેટ બનાવવાની એક્ટિવિટી, અવકાશ સંશોધન અંગેનું માહિતીપ્રદ સેશન, દિવસ દરમિયાન ખગોળીય અવલોકન, અવકાશ વિજ્ઞાન આધારિત ફિલ્મનું પ્રદર્શન, પ્રાચીન ખગોળીય સાધનો અંગેનું સેશન અને અવકાશ વિજ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.  આ ઉપરાંત બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે વેશભૂષા સ્પર્ધામાં સ્પર્ધકોએ સ્વાતંત્ર્ય સેનાની, ભારતની મહાન વિભૂતિઓ જેમ કે વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓ અથવા અવકાશ આધારિત પાત્રો જેવા કે તારા અને ગ્રહોની થીમ પર વેશભૂષા ધારણ કરી શકશે. 
ધોરણ ૩થી ૫ના વિદ્યાર્થીઓ માટે ૨૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ‘અવકાશની મારી સ્વપ્નસફર’, ‘સૂર્યમંડળ’ અને ‘મારું સ્વપ્નનું રોકેટ’ જેવા વિષયો આપવામાં આવ્યા છે. જ્યારે ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ‘અવકાશ વિજ્ઞાનના અગ્રદૂતો’, ‘અવકાશ મથકમાં જીવન’ અને ‘વિકસિત ભારત તરફ ભારતની અવકાશયાત્રા’ જેવા વિષયો પર પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા રજૂ કરવાની રહેશે.
આ ઉપરાંત ૨૩ ઓગસ્ટના રોજ બપોરે ૩ વાગ્યે અવકાશ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર સહભાગીઓને આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ટેલિસ્કોપ આપવામાં આવશે, જ્યારે દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પણ આકર્ષક ઇનામો આપવામાં આવશે. 
--------

Comments

COMMENT / REPLY FROM