ગાંધીધામ મનપામાં બોગસ પ્રમાણપત્ર કાંડઃ કમિશ્નરશ્રી લાલઘૂમ : ડે. કમિશ્નરને તપાસના આદેશ : ‘મૂળ સુધી જઈ દોષિતોને ખુલ્લા કરો’
કચ્છઉદયના અહેવાલ બાદ મનપાતંત્ર આવ્યું એકશનમાં
ડે.કમિશ્નરશ્રીને આ કેસની તપાસ સોંપી દેવાઈ છે, ખોટું થયું હશે તો સખત કાર્યવાહી કરાશેઃ શ્રી દવેરા (કમિશ્નરશ્રી, ગાંધીધામ મનપા) : તપાસના આદેશો મળેલ છે, માહિતીઓ એકત્રિત કરાવી રહ્યા છીએ, તપાસ પૂર્ણ થયા બાદ કમિશ્નરશ્રીને વિસ્તૃત અહેવાલ સોંપાશેઃ શ્રી સંજય રામાનુજ (ડે.કમિશ્નરશ્રી)
ગાંધીધામઃ ગાંધીધામ મનપામાં એકઝીક્યુટીવ એન્જીનિયરની જગ્યા ખાલી હોવા છતાં, તે હોદ્દાના સ્ટેમ્પ અને મનપાના રાઉન્ડ સીલનો ઉપયોગ કરી બોગસ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવાનું બહુચર્ચિત ભોપાળું સામે આવ્યા બાદ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ‘કચ્છઉદય’ દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ અંતે મનપાતંત્ર હરકતમાં આવ્યું છે. મનપા કમિશ્નરશ્રી દવેરાએ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી લાલઘૂમ થઈ ડેપ્યુટી કમિશ્નરને ઊંડાણપૂર્વક તપાસ કરી મૂળ સુધી પહોંચવાના અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે.શું છે સમગ્ર બોગસ પ્રમાણપત્ર કાંડ? તેની જો વાત કરીએ તો ગાંધીધામ મહાનગરપાલિકામાં એકઝીક્યુટીવ એન્જીનિયરની કાયમી પોસ્ટ જ ભરાયેલી નથી. તેમ છતાં કોઈ હંગામી એન્જીનિયર દ્વારા આ હોદ્દાના ઓફિશિયલ સ્ટેમ્પ અને મનપાના રાઉન્ડ સીલનો ઉપયોગ કરીને સહીઓ કરી આપવામાં આવી હતી. આ બોગસ સીલ-સહીના આધારે રાજકોટની
પીએમસી એજન્સી/પાર્ટીને ‘થ્રી-એ’નુ બોગસ અનુભવ પ્રમાણપત્ર આપી દેવાયું હતું. આ પ્રમાણપત્રના જોરે રાજકોટની પાર્ટીએ ઉત્તરાખંડ ખાતે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જ્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા આ પ્રમાણપત્રના વેરિફિકેશન (ખરાઈ) માટે ગાંધીધામ મનપા ખાતે ક્રોસ ચેકિંગ લેટર મોકલવામાં આવ્યો, ત્યારે આ મોટું ભોપાળું બહાર આવ્યું હતું. ગાંધીધામ : આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ મનપા કમિશ્નરશ્રી દવેરા આ પ્રકારની ગંભીર વહીવટી ચૂક કે બેદરકારીને લઈને જરાય ચલાવી લેવાના મૂડમાં નથી. તેઓએ આ બાબતે ડેપ્યુટી કમિશ્નરશ્રી સંજય રામાનુજને તાત્કાલિક અસરથી તપાસ સોંપીને આ કેસના મૂળ સુધી પહોંચીઝડપથી વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે.કમિશ્નરશ્રી દવેરાએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશ્નરશ્રીને આ કેસની તપાસ સોંપી દેવામાં આવી છે. જો તપાસમાં કંઈ પણ ખોટું થયું હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ,
આ મામલે ડેપ્યુટી કમિશ્નરશ્રી સંજય રામાનુજને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, કમિશ્નરશ્રી તરફથી આ બાબતે તપાસના સ્પષ્ટ આદેશો મળ્યા છે અને તમામ સંબંધિત ફાઇલો તથા માહિતીઓ એકત્રિત કરાવવામાં આવી રહી છે. સરકાર અને મનપા પ્રશાસનના નીતિ-નિયમોથી હટીને જો કઈ પણ ગેરરીતિ થઈ હશે તો ચલાવી લેવાશે નહીં. ચોક્કસથી આ મામલે નિષ્પક્ષ અને કડક તપાસ કરીને અહેવાલ કમિશ્નરશ્રીને
સોંપવામાં આવશે.
.........................
અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા
અને હાથ ખંખેરવાનો પ્રયાસ
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં જે હંગામી એન્જીનિયરની સહી હોવાનું સામે આવ્યું છે, તેઓ સીધો ઇનકાર કરતા કહી રહ્યા છે કે આ સહી મે નથી કરેલી. બીજી તરફ, સિટી એન્જીનિયર પણ માત્ર પોતાના કર્મચારીના નિવેદનના આધારે જ હાથ ખંખેરીને બેસી રહ્યા હતા. મનપાના ઓફિશિયલ સીલ અને હોદ્દાના સ્ટેમ્પનો ગેરકાયદે ઉપયોગ થયો હોવા છતાં, કોઈ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં ન આવી કે ન તો ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું! સિટી એન્જીનિયર “અમારી કક્ષાએથી આવું કોઈ પ્રમાણપત્ર નથી અપાયું તેવું કહી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, વર્તમાન સમયમાં જ્યારે ઉત્તરાખંડથી તપાસ આવે ત્યારે મનપાના સીલ અને સહીનો ગેરઉપયોગ કેમ થયો? કોણે સહી કરી? અને કયા આધારે આ પ્રમાણપત્ર બન્યું? તેની ઊંડી તપાસ કરાવવી તેમની પ્રાથમિક ફરજ બનતી હતી.
.............
ગાંધીધામ મનપામાં હંગામી એન્જીનીયરના નામે મોટું કારનામુના મથાડા સાથે તાજેતરમાં જ આ પ્લેટફોર્મ પરથી તા.૬-૮-૨૦૨૬ પેજ નં - ૩ પર ધારદાર અહેવાલ રજુ થયો હતો જે બાદ મનપા તંત્ર, કમીશ્નરશ્રીએ પણ તેની ગંભીર નોધ લઈ અને કડક તપાસ કરવાના આદેશો આપી દીધા છે.

Comments