મુન્દ્રા પોર્ટ પરથી સસ્તુ સોનું આપવાની લાલચ આપી ૧.૦૯ કરોડની ઠગાઈ
વરાછા પોલીસે બોટાદથી ઠગને દબોચ્યો : કચ્છના મુન્દ્રા પોર્ટના નામે સુરતના જ્વેલર સાથે કરાઈ છેતરપિંડી; ઓડી-વોલ્વો કાર અને ૪૪ લાખ રોકડા સહિત ૬૪.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી અને વ્યાપારી ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા મુન્દ્રા પોર્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મુન્દ્રા પોર્ટ પરથી બજાર ભાવ કરતાં ૪ ટકા સસ્તા દરે સોનું અપાવવાની જાળ પાથરી સુરતના એક જ્વેલર પાસેથી રૂ. ૧.૦૯ કરોડ પડાવીને છૂ થઈ ગયેલા જમીન દલાલ પરેશ ડોબરીયાને સુરતની વરાછા પોલીસે બોટાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. કચ્છના આંતરરાષ્ટ્રીય બંદરના નામે આચરવામાં આવેલી આ મોટી ઠગાઈના ગુનામાં પોલીસે આરોપી પાસેથી રૂ.૪૪ લાખની રોકડ રકમ તેમજ ઓડી અને વોલ્વો કાર સહિત કુલ રૂ. ૬૪.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ઘટનાની વિગત મુજબ, સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સના માલિક નિકુંજ લુંભાણી અને તેમના મિત્રને મૂળ ભાવનગરના અને મોટા વરાછા ખાતે રહેતા પરેશ રણછોડભાઈ ડોબરીયાએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. આરોપીએ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી માર્કેટ રેટ કરતાં ૪ ટકા સસ્તા ભાવે સોનું સપ્લાય કરવાનો ભરોસો આપ્યો હતો. વેપારીને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી અને શરૂઆતમાં બેંક મારફતે રૂ.૧૫ લાખ એડવાન્સ મેળવી લીધા હતા. ત્યારબાદ મુન્દ્રા પોર્ટની સ્કીમ હેઠળ સોનું લેવા માટે ફરિયાદીને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં સાણંદ ટોલનાકા નજીક તમારો પહેલો ધંધો છે, રૂપિયા આપો હું ૫ મિનિટમાં સોનું લઈને આવું છું તેમ કહીને વેપારી પાસેથી રૂ.૯૪ લાખ ભરેલી બેગ મેળવી આરોપી પોતાની ઓડી કારમાં સવાર થઈને નાસી છૂટ્યો હતો.
કચ્છના બંદરના નામે ૧.૦૯ કરોડની ચુનો ચોપડ્યા બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. વરાછા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે સર્વેલન્સ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છુપાયો હોવાની બાતમી મળતાં પોલીસે બોટાદ જિલ્લામાંથી પરેશ ડોબરીયાની ધડપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલી ઓડી કાર, વોલ્વો કાર, બે મોબાઈલ ફોન અને રૂ.૪૪ લાખની રોકડ રકમ કબ્જે કરી છે. મુન્દ્રા પોર્ટના નામે આચરાયેલા આ આર્થિક ગુનામાં બાકીના નાણાં આરોપીએ ક્યાં છુપાવ્યા છે તે અંગે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
--------

Comments