ભુજ ગવર્નમેન્ટ પોલિટેકનિકમાં પાયાની સુવિધાઓનો અભાવ
કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની અપાઈ ચીમકી
ભુજ - કચ્છઉદય : ભુજ સ્થિત ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ પાયાની અસુવિધાઓ અને શૈક્ષણિક પ્રશ્નો અંગે કચછ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એનએસયુઆઈના જણાવ્યા અનુસાર કોલેજ કેમ્પસમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી અને પાણીમાં કચરો આવતો હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત વિવિધ ડિપાર્ટમેન્ટના બાથરૂમમાં નિયમિત સફાઈનો અભાવ છે અને પાણી આવતું નથી, જ્યારે કેન્ટીન પરિસરનું બાથરૂમ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. છેલ્લા છ મહિનાથી કેન્ટીનના પંખા બંધ છે અને રજૂઆત કરવા છતાં ચાલી રહ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓને ભારે બફારાનો સામનો કરવો પડે છે.
લાઇબ્રેરીમાં પણ બેસવા માટે પૂરતી ખુરશીઓ નથી અને જે ઉપલબ્ધ છે તે તૂટેલી છે, તેમજ મોટાભાગના પંખા બંધ હોય છે. મેકેનિકલ ડિપાર્ટમેન્ટના વર્કશોપમાં યોગ્ય માર્ગદર્શકની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાનથી વંચિત રહી રહ્યા છે. વધુમાં, યોગ્ય જાળવણીના અભાવે કેમ્પસમાં વૃક્ષારોપણના નામે મોટા પ્રમાણમાં બાવળિયા અને કાંટા ઉગી નીકળ્યા છે, જેથી અકસ્માત અને ઇજા થવાનો ભય રહે છે. પાર્કિંગ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રોફેસરો અને સ્ટાફની ગાડીઓ માટે ચોક્કસ પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં તેઓ પોતાના ડિપાર્ટમેન્ટ પાસે અયોગ્ય રીતે વાહનો મૂકે છે. એનએસયુઆઈ દ્વારા આ તમામ પ્રશ્નોનું સાત દિવસમાં સંતોષકારક નિરાકરણ લાવવા માંગ કરાઈ છે અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
-------------

Comments