અંજારમાં ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર બોલાવાઈ સર્જીકલ સ્ટ્રાઈક : એસપી-ડીવાયએસપી-ટીમ અંજાર પીઆઈનો મોટો સપાટો
દબાણ હટાવવાની મહા ઝુંબેશ શરૂ
NDPS, જુગાર, ચીટિંગ અને પશુ અતિક્રમણ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના બિનઅધિકૃત દબાણો સામે કાર્યવાહી : ૭ ટીમ મેદાને,DySP-PI સહિત ૧૦૦થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત; મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ સ્થળ પર હાજર
ડીજીપી કાર્યાલયની સૂચનાથી અંજાર પોલીસ અને નગરપાલિકાનું સંયુક્ત મેગા ડિમોલેશન ઓપરેશન : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજળી-પાણીના કનેક્શન કાપી જેસીબીથી દબાણો જમીનદોસ્ત કરાયા
ગાંધીધામ : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ લોકોમાં સુરક્ષાની ભાવના વધે તે હેતુથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓના અનુસંધાને અંજારમાં મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા બિનઅધિકૃત દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી મંગળવારે સવારે શરૂ કરવામાં આવી હતી.તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના સવારે ૧૧ વાગ્યાથી પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ૧૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.કાર્યવાહી દરમિયાન અંજાર ડ્ઢઅજીઁ મુકેશ ચૌધરી અને અંજાર PI જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. કુલ ૭ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ૧ DySP, ૧ PI, ૪ PSI સહિત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મામલતદાર અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા. મોટા પાયે દબાણો દૂર કરવા માટે આશરે ૧૦ હિટાચી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશમાં NDPS, જુગાર, ચીટિંગ અને પશુ અતિક્રમણ સહિતના અલગ-અલગ ગુનાઓમાં આરોપી તરીકે નોંધાયેલા વ્યક્તિઓ સાથે સંકળાયેલા બિનઅધિકૃત બાંધકામો/દબાણોને નિશાન બનાવવામાં આવ્યા છે.
કાર્યવાહીમાં રમજાન કકલ સામે ચીટિંગના ગુનાનો આરોપ, મહમદ ઉર્ફે પોપટ સામે NDPS સંબંધિત ગુનાનો આરોપ, શબીર ઉર્ફે પીછું સુલતાનશા શેખ સામે ચીટિંગનો આરોપ, કાસમશા શેખ સામે પશુ/ઢોર અતિક્રમણ સંબંધિત
ગુનાનો આરોપ તેમજ અબાસ ઈબ્રાહીમ શેખ સામે જુગાર સંબંધિત ગુનાનો આરોપ હોવાનું પ્રાપ્ત વિગતોમાં જણાવાયું છે. અસ્લમ મુન્ડી હાજીશા શેખનું નામ પણ કાર્યવાહી હેઠળની યાદીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.અંજારમાં એકસાથે અનેક સ્થળોએ ભારે પોલીસ બંદોબસ્ત અને ૧૦ હિટાચી સાથે શરૂ થયેલી આ મેગા ડિમોલિશન કાર્યવાહીએ ભારે ચર્ચા જગાવી છે. તંત્ર દ્વારા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
આજ રોજ દબાણ હટાવની કામગીરીમાં સમગ્ર સંચાલન અને સુપરવિઝન શ્રી જે.એમ. જોષી, શ્રી પ્રવિણ કેરાઈ અને શ્રી પ્રકાશ ડી. રોશીયા દ્વારા ડિમોલેશન ટીમનું પ્રત્યક્ષ માર્ગદર્શન અને નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. ગેરકાયદે દબાણોના વીજ કનેક્શન કાપવા PGVCL ટીમ સાથે શ્રી જય ખોડીયાર તેમજ પાણીના કનેક્શન દૂર કરવા માટે શ્રી જીગ્નેશ ગોસ્વામીની ટીમને તૈનાત કરાઈ છે. સ્થળ પર જેસીબી, ક્રેકર, ટ્રેક્ટર અને જરૂરી માનવબળ પૂરૂં પાડવાની જવાબદારી શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ અને શ્રી મહેશ ઠાકોરને સોંપાઈ છે. સ્થળ પર કાયદાકીય રોજકામ અને પંચનામું કરવા માટે શ્રી અનીલ ત્રિપાઠી તથા જાગીર ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ વીડિયોગ્રાફી સાથે કાર્યવાહી નોંધવા શ્રી હિતેશ ગજ્જર અને શ્રી વિનોદ શામળીયા કાર્યરત છે.સહાયક ટીમ તરીકે શ્રી રજાક બાયડ, શ્રી મામદ કુંભાર, શ્રી વાલજી મકવાણા અને શ્રી અરવિંદ પુરબીયા સહિતના કર્મચારીઓ સેનિટરી ઇન્સ્પેક્ટરની સૂચના હેઠળ કામગીરીમાં જોડાયા છે.
.....................
પુના જેવા કુખ્યાત બુટલેગરની સંપત્તિ પર ક્યારે તવાઈ? દારૂના ૨૯થી વધુ ગુના છે દાખલ
કથિત પોલીસના બાતમીદારની હત્યા નિપજાવી હાલમાં ફરાર-વોન્ટેડ છે ; પોલીસ માટે આ
પુનો રીતસરનો ખુલ્લો પડકાર બનીને બેઠો છે, છતાં તેની સામે કેમ આવી જ ધોંસ બોલાવતી સખત કાર્યવાહી નહીં?
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં વીવિધ પ્રકારના અસામાજિક તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા તેમની ગેરકાયદેસર મિલ્કતોને તોડી પાડવા જેવી એકતરફ લાલ આંખ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ૨૯થી વધુ દારૂના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર પુના સામે આકરી કાર્યવાહી કરવા મુદ્દે લોકમુખે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કથિત રીતે પોલીસના બાતમીદારની નિર્મમ હત્યા નિપજાવી હાલમાં નાસતો-ફરતો (વોન્ટેડ) રહેલો આ બુટલેગર રીતસરનો પોલીસ તંત્ર માટે ખુલ્લો પડકાર બનીને બેઠો છે.મળતી માહિતી મુજબ, પુના નામના આ બુટલેગર સામે અત્યાર સુધીમાં દારૂની હેરાફેરી અને વેચાણના ૨૯થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગુનાખોરીની દુનિયામાં એક પછી એક ગુના આચર્યા બાદ તાજેતરમાં જ તેણે પોલીસના બાતમીદાર હોવાની શંકા રાખીને એક યુવકની હત્યા નિપજાવી હોવાનો પણ ગંભીર આરોપ છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ તે સતત પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો છે. તેની ગેરકાયદેસર મિલ્કતો પર બુલડોજર કયારે ફેરવાશે? અથવા તો કેમ ન ફરે વેળાસર? તેવા સવાલો ચર્ચામાં આવ્ય છે.
..............
ગેરપ્રવૃત્તિ આચરનારા તત્વોમાં ફાળ-ફફડાટ..!
ગાંધીધામ : આ સમગ્ર કામગીરીની પારદર્શિતા માટે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. મદદનીશ કલેક્ટરશ્રી (અંજાર), મામલતદારશ્રી તથા અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી થઈ રહી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની આ કડક અને સંયુક્ત કાર્યવાહીથી અંજાર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફાળ પડી છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે.

Comments