ગાંધીધામ મુખ્ય બજારના વિકાસકામોમાં લોટ-પાણીને લાકડા : ઠેકેદાર - અમુક એન્જીનીયર્સની મીલીભગત સામે વેપારીઓમાં ભારોભારો જનાક્રોશ
અધિકારીઓ માત્ર ‘ફોટો સેશન’માં વ્યસ્ત, વેપારીઓની પીડા સાંભળનાર કોઈ નહીં : નબળું કામ છુપાવવા ડામરના થીગડાં : અકસ્માતનો ભય
આ સંદર્ભે મારી પાસે ફરીયાદ નથી આવેલી, હું ચોકકસથી જોવડાવી અને ઘટતું કરાવું છું : શ્રી રામાનુજ (ડે.કમિશ્નર ગાંધીધામ મનપા)
ગાંધીધામ : ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ચાલી રહેલા વરસાદી નાળા અને સી.સી. રોડના કામકાજમાં કોન્ટ્રાક્ટર અને મનપાના ઇજનેરોની અણઘડ તેમજ ભ્રષ્ટ નીતિ સામે વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ધીમી ગતિએ ચાલતા કામકાજ, ગુણવત્તા વગરના બાંધકામ અને તંત્રના અધિકારીઓની ઉદાસીનતાથી કંટાળીને વેપારીઓએ હવે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને બજાર બંધ રાખવાની ચીમકી આપી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર, પૂર્વ વિભાગના ઇજનેર, સાઇટ ઇજનેર તેમજ થર્ડ પાર્ટી ના એન્જિનિયરોમાંથી એક પણ જવાબદારી લેવા તૈયાર નથી. તમામ અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસીને બિલ પાસ કરવામાં મસ્ત છે. અધિકારીઓ માત્ર ફોટો સેશન કરાવવા આવે છે, પરંતુ વેપારીઓની વાસ્તવિક સમસ્યાઓ અને પીડા સાંભળવાનો કે નિરાકરણ લાવવાનો સમય તેમની પાસે નથી.બજારમાં નવો બનેલો સી.સી. રોડ બન્યાને હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં તો ૧૬થી વધુ જગ્યાએથી રોડ ફાટી ગયો છે અને કાંકરીઓ બહાર આવી ગઈ છે. કોન્ટ્રાક્ટરે પોતાની નાપાક કામગીરી છુપાવવા માટે ફાટેલા રોડ અને ખાડાઓ પર ડામરના થીગડાં મારી દીધા છે. ભાઈ પ્રતાપ સર્કલ અને ઝંડા ચોક સર્કલ પાસે ત્રણ-ત્રણ વાર સિમેન્ટ ઉખડી જતાં ત્યાં પણ ડામર નાખી લેવલિંગ બગાડી દેવાયું છે, જેના કારણે દરરોજ ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.અંતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળનાર છે. વેપારીઓ દેશભક્ત છે પરંતુ તેમની સહનશીલતાની પણ હદ હોય છે. જો તમામ જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરો આગામી ૩ દિવસમાં માર્કેટની પ્રત્યક્ષ મુલાકાત લઈને વેપારીઓની રજૂઆતો ન સાંભળે અને યોગ્ય કાર્યવાહી ન કરે, તો વેપારીઓ પોતાના હક અને બજારની સ્થિતિ સુધારવા માટે તારીખ ૧૪ અને ૧૫ના રોજ સંપૂર્ણ બજાર બંધ રાખીને ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ નોંધાવશે.
.....................
વેપારીઓની તંત્ર સમક્ષ ઉગ્ર માંગણીઓ
૧.ચેમ્બરોની સફાઈઃ નવા બનેલા નાળા પરના ચેમ્બરોને સાફ કર્યા વગર જ ઢાંકી દેવાયા છે, તેને તાત્કાલિક સાફ કરીને યોગ્ય રીતે કવર કરવામાં આવે. ૨.પેવરિંગ અને લેવલિંગઃ નાળાની બંને બાજુ પેવરિંગનું કામ તુરંત શરૂ કરવામાં આવે. જ્યાં સુધી પેવરિંગ ન થાય ત્યાં સુધી બજરી નાખી, પાણી
પીવડાવીને તાત્કાલિક લેવલિંગ કરવામાં આવે. ૩. રોડ કટિંગનું પ્લાસ્ટરઃ રોડ કટિંગ પરના રફ લેવલિંગને કોંક્રીટ-સિમેન્ટથી સુચારૂ રૂપે પ્લાસ્ટર કરી સરખું કરવામાં આવે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.૪. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીઃ નબળું કામ કરનાર ઠેકેદારની ચુકવણી રોકી, તેને દંડ ફટકારવામાં આવે તથા જવાબદાર એન્જિનિયરો સામે કડક પગલાં લેવામાં આવે. ૫.અધૂરા કામ પૂર્ણ કરવાઃ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ૧૫ દિવસથી બંધ પડેલું વરસાદી નાળાનું કામ પુનઃ શરૂ કરી નવું ચેમ્બર બનાવવામાં આવે.૬. સાઇડ લાઇટિંગ અને વર્ક ઓર્ડર મુજબ કામઃ નાળાની કામગીરી કરનાર ઠેકેદાર સાઇડ લાઇટિંગ મૂકીને વર્ક ઓર્ડર મુજબ જ કામ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે.

Comments