Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રપ્રેમને જનજન સુધી પહોંચાડતી ઐતિહાસિક પહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન

10 August


આ અભિયાનનો પ્રારંભ વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્‌વાનથી કરવામાં આવ્યો : ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા તિરંગો દરેક ભારતીયના ઘરની શાન અને ગૌરવનું પ્રતિક બન્યો

ભુજ - કચ્છઉદય : વર્ષ ૨૦૨૬માં ભારતના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પણ સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ માત્ર એક અભિયાન નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા માટે સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને કૃતજ્ઞતાપૂર્વક નમન કરવાની અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા તથા એક ભારત-શ્રેષ્ઠ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જનચળવળ છે. દરેક ઘરમાં લહેરાતો તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ ભારતની આન, બાન અને શાનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે, જે દરેક ભારતીયને દેશ પ્રત્યેની ફરજ અને જવાબદારીનું સ્મરણ કરાવે છે.
ભારતના સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તેવા હેતુથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો પ્રારંભ વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્‌વાનથી કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં કેન્દ્ર સરકારે ફ્લેગ કોડમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કર્યા. તેના કારણે મશીનથી બનાવેલા તેમજ પોલિએસ્ટર સહિત વિવિધ કાપડના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી. ઉપરાંત યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવે તો દિવસ-રાત તિરંગો ફરકાવવાની પણ છૂટ આપવામાં આવી. આ સુધારાઓના પરિણામે ‘હર ઘર તિરંગા’ જેવા જનભાગીદારીના અભિયાનને વ્યાપક સફળતા મળી.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને પોતાના ઘર, કાર્યસ્થળ અને સંસ્થાઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગા સાથે ભાવનાત્મક જોડાણ કેળવવાનો અને સ્વાતંત્ર્ય સંગ્રામના બલિદાનોને યાદ કરવાનો છે. વર્ષો સુધી તિરંગો મુખ્યત્વે સરકારી કાર્યક્રમો સુધી મર્યાદિત રહેતો હતો, પરંતુ ’હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા તિરંગો દરેક ભારતીયના ઘરની શાન અને ગૌરવનું પ્રતિક બન્યો છે.
ભારતના ‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા’માં કરવામાં આવેલા જરૂરી સુધારાઓ બાદ સામાન્ય નાગરિકોને પણ પોતાના ઘરો પર વધુ સરળતાથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળી. પરિણામે લાખો પરિવારો આ અભિયાન સાથે જોડાયા અને સમગ્ર દેશમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો. ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ દેશના શહેરો, ગામો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગા યાત્રા, પ્રભાતફેરી, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શહીદોને શ્રદ્ધાંજલિ અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રાઓ માત્ર રેલી નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે.
આ અનુસંધાને દેશની જેમ કચ્છ જિલ્લામાં તમામ તાલુકા મથકો સહિત ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાઓમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલા મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM