ગ્લોબલ બની ‘કચ્છી કળા’, પણ કારીગરની ‘કમાણી’ ને કમિશનનું ગ્રહણ ?
કચ્છની પરંપરાગત કળાને મળ્યું વૈશ્વિક પ્લેટફોર્મ. વારસાની શોધમાં અંતરિયાળ ગામડાંઓમાંથી વિશ્વ સુધી ગૂંજ્યો કચ્છી અવાજ : બદલાતા યુગ સાથે સોશિયલ મીડિયા બન્યું કચ્છી કારીગરોનું નવું બજાર : ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ માધ્યમોથી સીધા વિદેશી ગ્રાહકો સુધી પહોંચતા ઓર્ડર
ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયાથી અજરખ-રોગાન આર્ટ વિશ્વભરમાં પહોંચ્યા, પણ વચેટિયાઓ આજે પણ કમાય છે તગડો નફો
કારીગરની સખત મહેનત સામે વચેટિયાઓ આજે પણ કમાય છે તગડો નફો : યોગ્ય વળતરના અભાવે નવી પેઢી હવે નોકરીઓ શોધવા શહેરો તરફ વળી : શિક્ષિત યુવાનો પારંપરિક કચ્છી આર્ટને આપી રહ્યા છે આધુનિક ડિજિટલ રૂપ
સસ્તા મશીન પ્રિન્ટના આક્રમણ સામે હેન્ડક્રાફ્ટની અસ્તિત્વ ટકાવવાની લડાઈ : મિલમાં બનેલા સસ્તા કાપડે ઓર્ગેનિક કારીગરોના મુખમાંથી છીનવી રોજીરોટી : સ્થાનિક શિલ્પકારો અને કારીગરોને શોષણથી બચાવવા ડાયરેક્ટ માર્કેટની કાયમી જરૂરિયાત : કળાનું સાચું મૂલ્ય ચૂકવાયા વગર કચ્છનો આ રંગબેરંગી વારસો સાચવવો મુશ્કેલ : પરંપરાગત કારીગરોએ વ્યક્ત કર્યો વસવસો
ભુજ - કચ્છઉદય : કચ્છ માત્ર પથ્થરો કે રણની ભૌગોલિકતા નથી, પણ રણની વચ્ચે ખીલેલું એક અતિ સુંદર અને રંગબેરંગી સાંસ્કૃતિક ચિત્ર છે. ધમડકા અને અજરખપુરનું વિશ્વપ્રસિદ્ધ અજરખ પ્રિન્ટ, નિરોણા ગામનું દેશમાં એકમાત્ર જીવંત રોગાન આર્ટ, ભુજોડીનું વણકર કામ, અને બન્ની વિસ્તારનું લિપણ કામ તથા ઝીણવટભર્યું હસ્ત-ભરતકામ, આ બધી કળાઓએ કચ્છને વૈશ્વિક ફલક પર એક અનોખી ઓળખ અપાવી છે. એક જમાનામાં જે હસ્તકળા માત્ર ગામડાના ઘરો, સ્થાનિક ઉપયોગ અને સીમિત મેળાઓ સુધી જ સીમિત હતી, તે આજે ન્યૂ યોર્ક, પેરિસ અને લંડનના મોટા મોટા ફેશન વીકના રેમ્પ પર ચમકી રહી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ક્રાંતિ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના વ્યાપને કારણે કચ્છી કારીગરોના વ્યાપારમાં મોટો આશાસ્પદ બદલાવ આવ્યો છે. નવી પેઢીના શિક્ષિત અને જાગૃત યુવાનો હવે જૂની પદ્ધતિઓ કે મોટા વચેટિયાઓ પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ અને ઓનલાઇન સ્ટોર મારફતે સીધા ઓર્ડર લેતા થયા છે. ડિરેક્ટ ટુ કસ્ટમર મોડેલના કારણે આજે અમેરિકા કે યુરોપમાં બેઠેલો કોઈ ગ્રાહક સીધો કચ્છના અંતરિયાળ ગામના કારીગર સાથે સંપર્ક સાધીને પોતાની પસંદગી મુજબના કસ્ટમાઈઝ્ડ ઓર્ડર આપી રહ્યો છે.પરંતુ આ ગ્લોબલ ઓળખ અને ચમકધમક પાછળ સિક્કાની એક બીજી કડવી વાસ્તવિકતા પણ છુપાયેલી છે. બજારમાં કચ્છી આર્ટની માંગ અને ભાવ બંને ખૂબ વધ્યા છે, પરંતુ તેનો મોટાભાગનો આર્થિક લાભ મૂળ સ્તરના કારીગરો સુધી પહોંચતો નથી. કારીગર પાસેથી નજીવી કિંમતે ખરીદેલી અજરખની સાડી કે દુપટ્ટો મોટા શહેરોના ફેન્સી બુટીક કે ઓનલાઇન લક્ઝરી બ્રાન્ડ્સ પર દસગણા કે પંદરગણા ભાવે વેચાય છે. દિવસો સુધી કાળઝાળ ગરમીમાં ભઠ્ઠી પાસે બેસીને કે કુદરતી રંગોથી ભાત પાડનાર કારીગરના હાથમાં માત્ર સીમિત મજૂરી જ આવે છે, જ્યારે વચ્ચે બેઠેલી બ્રાન્ડ્સ અને એજન્ટો કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો રળી જાય છે.
આ પરિસ્થિતિ વચ્ચે કચ્છી હસ્તકળા સામે એક મોટો પેઢીગત સવાલ પણ ઊભો થયો છે. જૂની પેઢીના અનુભવી માસ્ટર આર્ટિઝન્સ ઈચ્છે છે કે તેમનો આ અનમોલ વારસો જળવાઈ રહે, પરંતુ મોંઘવારીના આ સમયમાં કલાકોની સખત શારીરિક મહેનત સામે યોગ્ય વળતર ન મળતા નવી પેઢીના કેટલાક યુવાનો હવે અન્ય શહેરો તરફ નોકરીઓ શોધવા પ્રયાણ કરી રહ્યા છે. જે પરિવારના યુવાનોએ આઈટી કે માર્કેટિંગનો અભ્યાસ કર્યો છે, તેઓ જ આ ફેમિલી બિઝનેસને ડિજિટલ બનાવી શક્યા છે, જ્યારે સામાન્ય અને અંતરિયાળ વિસ્તારના કારીગરો આજે પણ આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આ સિવાય કચ્છી કળા સામે બીજો એક સૌથી મોટો ખતરો મશીન નિર્મિત ડુપ્લિકેટ પ્રોડક્ટ્સનો છે. સુરત અને અમદાવાદની મિલોમાં બનતા સસ્તા સ્કીન અને મશીન પ્રિન્ટના કાપડને પણ બજારમાં ’ઓરિજિનલ કચ્છી અજરખ’ના નામે સરસ પેકિંગમાં વેચી દેવાય છે. સામાન્ય ગ્રાહક અસલ અને નકલ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી, જેના કારણે સંપૂર્ણપણે ઓર્ગેનિક અને નેચરલ ડાય વડે હાથેથી કામ કરતા સાચા કારીગરોના ધંધા પર ભારે માઠી અસર પડી છે. ભૌગોલિક ઓળખ એટલે કે જીઆઈ ટેગ હોવા છતાં આ કળાનું યોગ્ય લીગલ પ્રોટેક્શન કરવું સહેલું
રહ્યું નથી.કચ્છની હસ્તકળા એ માત્ર એક પ્રોડક્ટ કે વેચવાની વસ્તુ નથી, પરંતુ તે ભારતની સદીઓ જૂની જીવંત સંસ્કૃતિ છે. જો આ કારીગરોને વચેટિયાઓના શોષણમાંથી મુક્ત કરવા હોય તો સરકારી અને સામાજિક સ્તરે કાયમી ડાયરેક્ટ માર્કેટ સિસ્ટમ વધુ મજબૂત બનાવવી પડશે. સાથે જ ગ્રાહકોમાં પણ ઓરિજિનલ હેન્ડક્રાફ્ટ ઓળખવાની જાગૃતિ લાવવી એટલી જ જરૂરી છે. જો કચ્છના આ શિલ્પકારોને તેમની મહેનત અને કળાનું સાચું મૂલ્ય મળશે, તો જ કચ્છનો આ રંગબેરંગી વારસો આવનારી પેઢીઓ સુધી સુરક્ષિત અને જીવંત રહી શકશે.

Comments