Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ઔદ્યોગિક પટ્ટામાં કરોડોનું બોગસ GST કૌભાંડ

09 August

કાગળ પર કંપનીઓ ઊભી કરી સરકારને કરોડોનો ચૂનો



ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા પોર્ટ બેલ્ટમાં ધમધમતું બોગસ બિલિંગ અને શેલ કંપનીઓનું નેટવર્ક : ગરીબ શ્રમિકોના દસ્તાવેજોથી શેલ કંપનીઓનું નિર્માણ અને ડમી રજિસ્ટ્રેશનની મોડ્‌સ ઓપરેન્ડી : ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોને સરકારી યોજનાઓ, બેંક લોન કે માસિક કમિશનની લાલચ આપીને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ અને વીજળી બિલ જેવા અંગત દસ્તાવેજો મેળવી કરાય છે ગેરરીતિ : માલની હેરફેર વગર માત્ર ઇ-વે બિલ અને કાગળ પર ટ્રાન્ઝેક્શનથી સરકારી તિજોરીને ચોપડાય છે ચૂનો 


આવા આર્થિક ગુનાઓ આચરતા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે હવે ટેક્સ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો શરૂ કરાયો ઉપયોગ



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાનો પૂર્વ પટ્ટો અને ખાસ કરીને ગાંધીધામ, આદિપુર, કંડલા તથા મુન્દ્રા પોર્ટ વિસ્તાર ભારતભરમાં મોટા વ્યાપારી અને ઔદ્યોગિક મથક તરીકે ઉભરી આવ્યા છે. વિશાળ પોર્ટ ગેટવે અને હજારો નાના-મોટા ઉદ્યોગોના કારણે અહીં રોજના કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો થાય છે. પરંતુ, આ જ ઔદ્યોગિક વ્યાપનો અયોગ્ય ફાયદો ઉઠાવીને કેટલાક આર્થિક ગુનેગારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ તેમજ એજન્ટોની સિન્ડિકેટ દ્વારા કરોડો રૂપિયાનું બોગસ જીએસટી બિલિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. સ્ટેટ જીએસટીઅને સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડામાં અવારનવાર ખુલાસો થયો છે કે માત્ર કાગળ પર પેઢીઓ દર્શાવીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનું સમાંતર નેટવર્ક આ ક્ષેત્રમાં સક્રિય છે.આ કૌભાંડની મુખ્ય અને અત્યંત ગંભીર મોડસ ઓપરેન્ડી ગરીબ શ્રમિકો, ડ્રાઇવરો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું શોષણ કરવાની છે. ગાંધીધામ અને મુન્દ્રાના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોને સરકારી યોજનાઓ, બેંક લોન કે માસિક કમિશનની લાલચ આપીને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ અને વીજળી બિલ જેવા અંગત દસ્તાવેજો મેળવી લેવામાં આવે છે. આ દસ્તાવેજોના આધારે શ્રમિકોની અજાણતામાં જ તેમના નામે બોગસ જીએસટી રજિસ્ટ્રેશન મેળવીને શેલ (કાગળ પરની) કંપનીઓ ખોલી દેવાય છે. ખરેખર ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ ગોડાઉન, ઓફિસ કે માલ-સામાનનો સ્ટોક હોતો જ નથી, પરંતુ ચોપડે કરોડો રૂપિયાના વ્યવહારો દર્શાવી દેવામાં આવે છે.બોગસ બિલિંગના આ ખેલમાં કોઈ પણ જાતના માલ-સામાન કે પ્રોડક્ટની ભૌતિક હેરફેર થતી નથી. ભૂમાફિયાઓ અને આર્થિક કૌભાંડીઓ દ્વારા માત્ર કમ્પ્યુટર પર બોગસ ઈ-વે બિલ અને બનાવટી ટેક્સ ઇન્વોઇસ જનરેટ કરવામાં આવે છે. કેમિકલ, સ્ક્રેપ, સિરામિક કે લોખંડ જેવા મોંઘા માલ-સામાનનું કાગળ પર જ વેચાણ દર્શાવીને એકબીજાની બોગસ પેઢીઓમાં બિલ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે માત્ર કાગળ પર ટ્રાન્ઝેક્શન બતાવીને કરોડો રૂપિયાની અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવે છે અને બાદમાં આ રકમ રોકડમાં ઉપાડીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો સીધો આર્થિક ચૂનો ચોપડવામાં આવે છે.
સ્ટેટ જીએસટી વિભાગની સર્ચ વિંગ અને સીજીએસટી કમિશનરેટ દ્વારા ભૂતકાળમાં ગાંધીધામ, ભુજ અને મુન્દ્રામાં હાથ ધરાયેલા ખાસ સરપ્રાઈઝ દરોડા દરમિયાન અનેક એવી બોગસ પેઢીઓ પકડાઈ ચૂકી છે કે જેમના સરનામે ખરેખર પાનના ગલ્લા કે ઝૂંપડપટ્ટી આવેલી હતી. તપાસ દરમિયાન જ્યારે નિર્દોષ શ્રમિકોની પૂછપરછ કરાય છે ત્યારે તેમને ખબર પણ નથી હોતી કે તેમના નામે કરોડો રૂપિયાના જીએસટી ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા છે. આ પ્રકારના બોગસ બિલિંગના કારણે સાચા અને કાયદેસર વેપાર કરતા વ્યાપારીઓને પણ વ્યાપારી જગતમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા આર્થિક ગુનાઓ આચરતા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે હવે ટેક્સ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ શરૂ કરાયો છે. જોકે, માત્ર દંડ વસૂલવા કે જીએસટી નંબર કેન્સલ કરવા પૂરતી કાર્યવાહી સીમિત ન રાખતા, ગરીબ લોકોના ઓળખકાર્ડનો દુરુપયોગ કરનારા મુખ્ય સૂત્રોધારો સામે મની લોન્ડરિંગ અને ફોજદારી ગુના હેઠળ કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે. જો કચ્છના પોર્ટ બેલ્ટમાં ધમધમતા આ બોગસ બિલિંગના દૂષણને મુળમાંથી ડામવામાં નહીં આવે, તો રાષ્ટ્રીય તિજોરીને થતું કરોડોનું નુકસાન અટકાવવું મુશ્કેલ બનશે.

Comments

COMMENT / REPLY FROM