Trending News
ક્રાઈમ

કચ્છમાં શ્રાવણી જુગારની સિઝન શરૂ થાય તે પૂર્વે ‘શકુનિના શિષ્યો’માં સળવળાટ 

09 August



જિલ્લાના અંતરિયાળ ગામડાંઓમાં નાલ ઉઘરાવી ધમધમતા જુગારધામો પર ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમ નજર 

કચ્છમાં દારૂના દૂષણ પર અવાર નવાર ત્રાટકી સ્થાનિક પોલીસ નું નાક કાપનાર એસએમસી કરોડોની હારજીત કરાવતા મોટા આડ્ડાઓ પર સીધી કાર્યવાહી કરશે ?

 જાગૃત નાગરિકોનો કાયદાના રક્ષકોને વેધક સવાલ 

સ્થાનિક પોલીસના હપ્તાખોરીના ખેલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડે તેવી જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ


ભુજ - કચ્છઉદય : અષાઢ માસ હવે પૂર્ણતાના આરે છે અને પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક તરફ શ્રાવણ માસ ભક્તિ અને શ્રદ્ધાનો પવિત્ર તહેવાર ગણાય છે, તો બીજી તરફ કચ્છ જિલ્લામાં આ સમયગાળો શ્રાવણી જુગારની મોસમ તરીકે પણ ઓળખાવા લાગ્યો છે. પવિત્ર દિવસોની આડમાં કચ્છના ખૂણેખૂણે ’શકુનિના શિષ્યો’ ગંજીપાના અને ધાણીપાસાનો જુગાર રમવા માટે અત્યારથી જ તત્પર બની ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ શરૂ થતાં જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાની હારજીતના જુગારના પડ મંડાવાની પૂરતી તૈયારીઓ થઈ ચૂકી છે.જિલ્લાના ગ્રામીણ અને અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ સૌથી વધુ ફેલાયેલી જોવા મળે છે. ખેતરોના વાડી-વિસ્તારો, નદી-નાળાં કે સીમ વિસ્તારમાં નાલ ઉઘરાવીને મોટા પાયે જુગારધામો ચલાવવામાં આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા તહેવારોના દિવસોમાં માત્ર કાગળ પર કામગીરી દર્શાવવા માટે છૂટાછવાયા દરોડા પાડવામાં આવે છે અને થોડાઘણા નાના-મોટા પન્ટરોને ઝડપીને સંતોષ માની લેવાય છે. પરંતુ, જે મોટા અને હાઇપ્રોફાઇલ જુગારના આડ્ડાઓ કે કલબો ચાલતી હોય છે ત્યાં સુધી પોલીસના હાથ ક્યારેય પહોંચતા નથી, જેને કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રહે છે.સ્થાનિક કક્ષાએ ચાલતી ચર્ચાઓ મુજબ, કચ્છ જિલ્લામાં નાના-મોટા જુગારના અસંખ્ય આડ્ડાઓ સ્થાનિક પોલીસના નીચલા સ્તરના કર્મચારીઓ સાથેની સીધી સાઠગાંઠ અને હપ્તાખોરીના જોરે ધમધમતા હોય છે. શ્રાવણ મહિના દરમિયાન રમાતા કરોડો રૂપિયાના જુગારમાંથી ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને વચેટિયાઓ પોતાની મલાઈદાર આવક ઊભી કરી લેતા હોય છે. આ જ કારણ છે કે સ્થાનિક પોલીસનું નેટવર્ક ઘણીવાર આવા મોટા જુગારધામો સામે કડક પગલાં ભરવાને બદલે મૌન ધારણ કરી લેતું હોય છે અથવા તો દરોડા પહેલાં જ માહિતી લીક થઈ જતી હોય છે. જે રીતે કચ્છ જિલ્લામાં દારૂના દૂષણ પર અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા સીધા દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે અને સ્થાનિક પોલીસની નબળી કામગીરી ખુલ્લી પડી જાય છે, બિલકુલ તે જ ધારાધોરણો સાથે આ વખતે કચ્છમાં ચાલતા જુગારધામો પર પણ ગાંધીધામ અને ભુજ પોલીસને ભરોસે બેસવાને બદલે સ્ટેટ મોનિટરિંગ સેલ સીધી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. કચ્છના જાગૃત નાગરિકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો એસએમસી દ્વારા સરપ્રાઇઝ રેડ પાડવામાં આવે તો જ આ કરોડોના જુગારના ખેલનો સાચો પર્દાફાશ થઈ શકે તેમ છે.શ્રાવણી જુગારના કારણે દર વર્ષે અનેક મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ જતા હોય છે, જ્યારે જુગારધામ ચલાવનારા નાલ ઉઘરાવકો અને ભ્રષ્ટ તત્વો માલમાલ થઈ જાય છે. જો આ વર્ષે પણ પૂર્વ અને પશ્ચિમ કચ્છનું પોલીસ તંત્ર ગાફેલ રહેશે કે માત્ર કાગળ પર ચોકીયાત બનીને બેસી રહેશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હવે સમય આવી ગયો છે કે પૂર્વ અને પશ્ચિમ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના નીચેના સ્ટાફ પર કડક સિકંજો કસે અને શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ અત્યારથી સઘન કોમ્બિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ કરીને જુના રીઢા અડ્ડા સંચાલકોમાં કાયદાનો સાચો ડર બેસાડે તે ઈચ્છનીય છે.

 

Comments

COMMENT / REPLY FROM