Trending News
ક્રાઈમ

મોટી ચિરઈ ઓવરબ્રિજ પાસે ગોઝારો અકસ્માત ચાલુ એસટી બસમાંથી પટકાતા ભુજ ડેપોના ડ્રાઈવર પર ટ્રેલર ફરી વળતા કમકમાટી ભર્યું મોત

08 August


પરિવારની નજર સામે કાળમુખા ટ્રેલરે કચડી નાખતા અરેરાટીઃ થરાદથી મામાના બેસણામાંથી પરત ફરતી વેળાએ સર્જાઈ કરૂણાંતિકા

ભુજ - કચ્છઉદય : ભચાઉ નજીક નવી મોટી ચિરઈ ગામના ઓવરબ્રિજ પાસે ગત મધ્યરાત્રિના હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાડમેર - ભુજ રૂટની એસટી બસમાં અચાનક બ્રેક વાગતા દરવાજા પાસે ઉભેલા ભુજ ડેપોના એક ડ્રાઈવર જેઓ મુસાફર તરીકે સવાર હતા તેઓ બસની બહાર પટકાયા હતા. આ જ સમયે સાઈડમાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટ્રેલરે તેમને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ડ્રાઈવર ૪૩ વર્ષીય પ્રવિણભાઈ ચેતનભાઈ રાઠોડ (રહે. સુમરાસર શેખ, તા. ભુજ) હોવાનું સામે આવ્યું છે, તેઓ ભુજ એસટી ડેપોમાં જ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. ગત સપ્તાહે થરાદ ખાતે તેમના મામાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હોવાથી તેઓ રજા પર હતા અને પરિવાર સાથે થરાદ ગયા હતા. ગત રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે બાડમેર - ભુજ રૂટની બસ નંબર જીજે -૧૮- ઝેડટી -૧૧૦૨માં પરત ફરી રહ્યા હતા ત્યારે આ કાળજું કંપાવનારી ઘટના બની હતી. રાત્રિના આશરે ૨ વાગ્યાના અરસામાં બસ નવી મોટી ચિરઈ ઓવરબ્રિજ પાસે પહોંચી ત્યારે આગળ જતા એક અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી હતી. તેને બચાવવા એસટી બસના ચાલકે પણ જોરથી બ્રેક મારતાં બસમાં કંડકટરની સીટ પાસે ઊભેલા પ્રવિણભાઈ સંતુલન ગુમાવી બેઠા હતા અને દરવાજામાંથી સીધા જ રોડ પર પટકાયા હતા. કમનસીબે એ જ સમયે પાછળથી આવી રહેલા એક તોતિંગ ટ્રેલરના પૈડાં તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પરિવારની નજર સામે જ ઘરનો મોભી છીનવાઈ જતા ભારે કલ્પાંત સર્જાયો હતો. આ બનાવમાં બસમાં સવાર અન્ય કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી કે વાહનને નુકસાન થયું ન હતું. બનાવની જાણ થતાં ભચાઉ ડેપોનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.  હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM