Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પાસે ગોડાઉનમાંથી પકડાયેલું ખાતર સબસીડીવાળું  ‘નીમકોટેડ યુરિયા’ જ હોવાનો થયો સત્તાવાર ખુલાસો!

08 August


એપીએમસીના પૂર્વ ચેરમેનના પુત્ર સહિત ૩ શખ્સો સામે હવે ગુનો નોંધાશે? ખેડૂતોના હકની ચોરીનું મોટું કૌભાંડ ખુલ્લું પડવાની શક્યતા

ખેતીવાડી વિભાગના પૃથક્કરણ રિપોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીઃ પોલીસ તપાસનીશ ટીમને રિપોર્ટ સોંપાશે

ખેડુત વહેલી સવારના ઉઠીને લાઈનમાં ખાતર મેળવવા ફાંફા મારતો ફરે છે, જયારે બીજીતરફ બેનંબરી તત્વો એ ખાતરનો તગડો જથ્થો સરળતાથી ખાઈ જાય છે, વેપલો કરે છે, કાળા બજારી કરે છે, ખેડુતો પાયમાલ થઈ રહ્યા છે, છતાય બધા ચુપ કેમ છે? ધરતીના તાત માટે કોઈક તો બોલો, કોઈક તો આગળ આવો!



ગાંધીધામ : ભચાઉ નજીક આવેલી ‘વેરાઈ કૃપા હોટેલ’ પાછળના ઓરડી-ગોડાઉનમાંથી પોલીસે ઝડપી પાડેલા શંકાસ્પદ સરકારી સબસીડીયુકત ખાતરના જથ્થા અંગે આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલના પૃથક્કરણ (લેબોરેટરી ટેસ્ટ) રિપોર્ટ આવી જતાં, આ જથ્થો સરકારી સબસીડીવાળું અને ખેડૂતોના હિત માટેનું ‘નીમકોટેડ યુરિયા’ જ હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે.જિલ્લા ખેતીવાડી વિભાગે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ ખાતર નીમકોટેડ યુરિયા જ છે અને આ અંગેનો આખરી રિપોર્ટ તપાસ કરનાર પોલીસ તંત્રને સોંપી દેવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે આ સમગ્ર મામલે ખાતરની ચોરી અને કાળાબજારી કરનારા તત્વો સામે કાનૂની શિકંજો કસાશે.પોલીસ તંત્ર હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવીને ખેડૂતોના હકનું યુરિયા પચાવી 
પાડતા સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચે તે સમયની માંગ છે.



.....................

શું હતો સમગ્ર મામલો?

ગાંધીધામ : થોડા સમય અગાઉ પોલીસે ભચાઉ પાસે આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રખાયેલો શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ભચાઉ 
એપીએમસીના પૂર્વ ચેરમેનના પુત્ર સહિત કુલ ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. બનાવ બાદ ખેતીવાડી વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ખાતરના સેમ્પલ લીધા હતા અને તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.


...........................

હવે પોલીસ સામે સૌથી મોટા સવાલોઃ મૂળ સુધી તપાસ પહોંચશે?

ગાંધીધામ : લેબોરેટરી રિપોર્ટમાં નીમકોટેડ યુરિયા હોવાનું સ્પષ્ટ થયા બાદ હવે સમગ્ર દડો પોલીસના પાસામાં છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હવે પોલીસ વિભાગ આ કેસમાં ત્વરિત ધોરણે કડક કલમો હેઠળ એફ.આઈ.આર.  દાખલ કરે તે અત્યંત જરૂરી છે.
૧. ચોરીનું યુરિયા ક્યાંથી આવ્યું?ઃ સરકારી સબસીડીવાળું આ ખાતર ચોર તત્વો લાવ્યા ક્યાંથી? કઈ મંડળી કે ડીલર મારફતે આ જથ્થો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો? 
૨. કયા પ્લાયવુડ યુનિટમાં સપ્લાય થવાનું હતું?ઃ ખેડૂતો માટે આવતું આ યુરિયા કયા ઔદ્યોગિક પ્લાયવુડ ફેક્ટરી/યુનિટમાં ગેરકાયદેસર સપ્લાય થવાનું હતું? 
૩.મંડળીઓની ચોકસાઈ જરૂરીઃ આ કૌભાંડમાં સામેલ મંડળીનું લાયસન્સ તો રદ કરી દેવાયું હશે, પરંતુ આવા કાળો કારોબાર કરતા તત્વો ફરીથી અન્ય કોઈના નામે નવી મંડળીઓ રજિસ્ટર્ડ કરાવીને સરકારી સહાયનો દુરુપયોગ ન કરે તે માટે તંત્રે ભારે તકેદારી રાખવી પડશે.

 

Comments

COMMENT / REPLY FROM