લુધિયાણાથી કચ્છ આવી રહેલી રૂ. ૧.૦૫ કરોડની દારૂ ભરેલી ટ્રક SMC ના હાથે ઝડપાઈ
ટ્રકમાંથી ભુજના નામે બોગસ બિલ્ટી મળી, બે ઝડપાયા : થરા-રાધનપુર નેશનલ હાઇવે પર ઓગડ ગામ નજીક કાર્યવાહી
ભુજ - કચ્છઉદય : ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલે બનાસકાંઠાના થરા નજીક મોટી કાર્યવાહી હાથ ધરી લુધિયાણાથી કચ્છ લવાઈ રહેલી રૂ. ૧.૦૫ કરોડથી વધુ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના પોલીસ મહાનિદેશક જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. જેબલિયાની ટીમે થરા-રાધનપુર નેશનલ હાઇવે નં. ૨૭ પર ઓગડ ગામના ઓવરબ્રિજ નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રકને અટકાવી તપાસ કરતાં ગાભા ચીંથરાંની ગાંસડીઓની આડમાં સંતાડીને રાખવામાં આવેલી વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની આશરે ૧,૦૦૦ પેટી મળી આવી હતી. ટ્રકમાંથી કુલ ૧૬,૩૪૯ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧,૦૫,૧૨,૪૫૧ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રકમાંથી આશાપુરા એન્ટરપ્રાઇઝ, ભુજના નામે માલ મોકલાતો હોવાની બોગસ બિલ્ટી પણ મળી આવી હતી. ઉપરાંત ટ્રકના એન્જિન નંબર અને ચેસિસ નંબરમાં પણ છેડછાડ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટ્રકના ડ્રાઇવર ઓમપ્રકાશ આસુરામ કાકળ (જાટ) અને ક્લિનર જિતેન્દ્રકુમાર ભોમારામ કાકળ, બંને બાડમેર (રાજસ્થાન)ના રહેવાસીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં હરીશ કુંકણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી બંને આરોપીઓ દારૂ ભરેલી ટ્રક લઈને ભુજ તરફ આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ કેસમાં હરીશ કુંકણા સહિત દારૂનો જથ્થો મંગાવનાર, ભરાવનાર, ટ્રક માલિક અને અન્ય મળી કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે સપ્લાયરની ધરપકડ બાદ કચ્છમાં દારૂના સ્થાનિક રિસીવર અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો બહાર આવી શકે છે. આ અંગે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-------

Comments