Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ૫.૫૫ કરોડના ખંડણીકાંડમાં મોટો ધડાકો :  મુખ્ય સૂત્રધાર જાવેદ સહિત વધુ ૫ આરોપી ઝડપાયા

07 August

ગુજરાત ATS અને પંજાબ STF ની મદદથી પૂર્વ કચ્છ પોલીસનું સફળ ઓપરેશન



પંજાબના ભટિંડાથી જાવેદ સાયચા, સોહિલ બુચડ અને રિઝવાન કિચા ઝડપાયા :  કેસમાં અત્યાર સુધી ૪.૧૩ કરોડની રોકડ- USDT રિકવરી : ૧૪ મોબાઈલ અને ગુનામાં વપરાયેલી થાર સહિત કુલ ૪.૩૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે


ગાંધીધામ : ગાંધીધામમાં યુવકનું કારમાં અપહરણ કરી તેના ભાઈને દુબઈ ખાતે વીડિયો કોલ મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપી ૫,૮૪,૫૦૦ USDT એટલે કે અંદાજે રૂ.૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. લાંબા સમયથી અલગ-અલગ રાજ્યોમાં નાસતા ફરતા કેસના મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે કેસમાં રોકડ અને USDT મળી કુલ રૂ.૪,૧૩,૩૧,૮૨૫ની રકમ રિકવર કરવામાં આવી છે.ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૧ જુલાઈ, ૨૦૨૬ના નોંધાયેલા ગુના મુજબ આરોપીઓએ ફરિયાદીને ફોસલાવી કારમાં બેસાડ્યા બાદ તેનું 
અપહરણ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ભાઈને દુબઈ ખાતે વીડિયો કોલ કરી ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી ૫,૮૪,૫૦૦ USDT ની ખંડણી માગવામાં આવી હતી. ભારતીય ચલણમાં તેની અંદાજિત કિંમત રૂ.૫,૫૫,૨૭,૫૦૦ થાય છે. આરોપીઓએ આ રકમ ખંડણી પેટે મેળવી હોવાનો પોલીસ કેસ છે.આ કેસમાં અગાઉ કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ.૪૪.૬૬ લાખની રોકડ સહિત વાહનો અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. જોકે મુખ્ય આરોપીઓ જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચા ગુનો આચર્યા બાદ ફરાર હતા. તેમને શોધવા પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત છ્‌જીની પણ મદદ લીધી હતી.ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપીઓ પંજાબના ભટિંડા ખાતે હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક પંજાબ પહોંચી હતી. ત્યાં પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદથી મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 
આરોપીઓને મદદ કરવાના આરોપસર મુનાવર મન્સુરભાઈ બુચડને જામનગર અને નાગજી બળદેવભાઈ દેસાઈને અમદાવાદથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી મુનાવર પાસેથી રૂ.૫૭.૫૦ લાખ રોકડા રિકવર કર્યા છે. મુખ્ય આરોપી જાવેદના ક્રિપ્ટો વોલેટમાંથી ૧,૯૭,૪૦૭ USDT મળી આવ્યા છે, જેની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત રૂ.૧,૮૭,૫૩,૬૬૫ થાય છે. જ્યારે મુનાવરના વોલેટમાંથી ૧,૩૦,૧૨૮ USDT  મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ.૧,૨૩,૬૨,૧૬૦ દર્શાવવામાં આવી છે. અગાઉ રિકવર કરાયેલી રૂ.૪૪.૬૬ લાખની રકમ સાથે કેસમાં કુલ રૂ.૪,૧૩,૩૧,૮૨૫ની રકમ રિકવર થઈ હોવાનું 
પોલીસે જણાવ્યું છે.આ ઉપરાંત ૧૪ મોબાઈલ ફોન, જેની કિંમત રૂ.૫,૪૨,૫૦૦ દર્શાવવામાં આવી છે, તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી GJ-38-BF-9399 નંબરની મહિન્દ્રા થાર, કિંમત રૂ.૧૨ લાખ, કબજે કરવામાં આવી છે. આમ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ.૪,૩૦,૭૪,૩૨૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી જાવેદ સાયચા સામે અગાઉ કંડલા મરીન, ગાંધીધામ બી-ડિવિઝન, ગાંધીધામ એ-ડિવિઝન અને આડેસર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. સોહિલ બુચડ સામે પણ કંડલા મરીન અને આડેસર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાયા છે, જ્યારે મુનાવર બુચડ સામે જામનગર સિટી-સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં પૂર્વ કચ્છ LCB ના PI  જે.એમ. વાળા, ગાંધીધામ એ-ડિવિઝન PI  એમ.જે. રાઠોડ,PSI  ડી.જી. પટેલ અને જે.ડી. પરમાર, જામનગર LCB ના PI  એમ.વી. ભાટીયા 
ઉપરાંત ગુજરાત ATS, પૂર્વ કચ્છ LCB  અને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની ટીમ જોડાઈ હતી.



..........................

અત્યાર સુધીમાં કુલ ૧૫ આરોપીઓ જેલહવાલે : શ્રી સાગર બાગમાર


ગાંધીધામઃગાંધીધામના બહુચર્ચિત દિલીપ મજેઠિયા અપહરણ પ્રકરણમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પત્રકાર પરિષદમાં મહત્વની જાહેરાત કરી હતી. ગત ૨૧ જુલાઈના રોજ બપોરે ગાંધીધામના કોમ્પ્લેક્સ પાસેથી વેપારી દિલીપ મજેઠિયાનું ગાડીમાં અપહરણ કરી, તેમના ભાઈ પાસેથી ૫.૮૫ લાખ યુએસ ડોલર ની મોટી ખંડણી વસૂલવામાં આવી હતી. આ કેસમાં અગાઉ ૧૦ આરોપીઓ પકડાયા હતા, 
પરંતુ મુખ્ય સૂત્રધારો ફરાર હતા.ગુજરાત ATS અને પંજાબ STF  ના સહયોગથી પોલીસે પંજાબના ભટિંડા ખાતેથી અપહરણના મુખ્ય ૩ આરોપીઓ (૧) જાવેદ અબુ સાયચા, (૨) રિઝવાન હુસૈન ખીચા અને (૩) સોહેલ જુસબ બુચડને ઝડપી લીધા છે. આ ઉપરાંત અન્ય બે મદદગારો મુન્નાવર બુચડ (જામનગર) અને નાગજી દેસાઈ (અમદાવાદ) ની પણ ધરપકડ કરાઈ છે.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ 
આરોપીઓ જેલહવાલે થયા છે. પોલીસે અલગ-અલગ વોલેટમાં પડેલા યુએસ ડોલર અને રોકડ મળીને ભારતીય ચલણ મુજબ આશરે રૂ. ૪.૧૩ કરોડ ની માતબર રિકવરી કરી છે. હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.



.................

ખંડણીકાંડના આરોપીઓના કાન પકડાવી સરઘસ કાઢયું : 
પૂર્વ કચ્છ પોલીસે ગાંધી માર્કેટથી ઝંડાચોક સુધી ફેરવ્યા



૫.૫૫ કરોડના USDT ખંડણી-અપહરણ કેસમાં છ-ડિવિઝન પોલીસનું રિકન્સ્ટ્રક્શન; મુખ્ય આરોપીઓ સાથે ઘટનાક્રમ દોહરાવ્યો

ગાંધીધામ : શહેરમાં ચકચાર મચાવનારા રૂ.૫.૫૫ કરોડના USDT ખંડણી અને અપહરણ કેસમાં પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ હવે ગાંધીધામ છ-ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓના કાન પકડાવી ગાંધી માર્કેટથી ઝંડાચોક સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું.ગાંધીધામ છ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં ફરિયાદીને ફોસલાવી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના ભાઈને દુબઈ ખાતે વીડિયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ૫,૮૪,૫૦૦ USDT ની ખંડણી વસૂલવામાં આવી હોવાનો આરોપ છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે રૂ.૫.૫૫ કરોડ થાય છે.
આરોપીઓને ગાંધીધામ લાવવામાં આવ્યા બાદ છ-ડિવિઝન પોલીસે તપાસના ભાગરૂપે ઘટનાસ્થળો પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગાંધી માર્કેટથી ઝંડાચોક સુધી આરોપીઓના કાન પકડાવી સરઘસ કાઢવામાં આવતાં સમગ્ર કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.
 

Comments

COMMENT / REPLY FROM