કચ્છમાં યુરિયા ખાતરના મોટા ડીલરોની થશે તપાસ, કાળાબજારી અને ટેગિંગ સામે ઝુંબેશ
ભુજ - કચ્છ ઉદય : ખેડૂતોને સબસિડાઈઝડ ખાતર સમયસર અને યોગ્ય ભાવમાં મળે તેમજ કાળાબજારી, સંગ્રહખોરી અને બિન-કૃષિ ઉપયોગ પર અંકુશ આવે તે માટે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યભરમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂક કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો સીધો લાભ કચ્છ જિલ્લાના ખેડૂતોને પણ મળશે.
કચ્છ જિલ્લામાં ખાતરના ડીલરો પાસે ઉપલબ્ધ જથ્થો, પીઓએસ મશીનના રેકોર્ડ અને વાસ્તવિક સ્ટોકની ચકાસણી કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લામાં સૌથી વધુ યુરિયા વેચાણ કરતા ડીલરોનું સઘન નિરીક્ષણ થશે. ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું છે કે નહીં તેમજ યુરિયા સાથે અન્ય ખાતર કે પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ તો કરવામાં આવતું નથી ને તેની પણ તપાસ થશે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સબસિડાઈઝડ ખાતરનો બિન-કૃષિ ઉપયોગ, બનાવટી ખાતરનું વેચાણ, સંગ્રહખોરી અને કાળાબજારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગેરરીતિ કરનારા ડીલરો અથવા એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર અભિયાનનું રોજિંદું મોનિટરિંગ રાજ્ય સ્તરના કંટ્રોલ રૂમ મારફતે કૃષિ નિયામક દ્વારા કરવામાં આવશે. જેના કારણે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે અને ખેડૂતોના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થશે.

Comments