કંડલા પોર્ટ પર પાકિસ્તાની સૂકા ખજૂરની મોટા પાયે ચોરીછૂપીથી કરાતી આયાતનો પર્દાફાશ
ડીઆરઆઈ દ્વારા ૩ કરોડનો માલ કરાયો જપ્ત : દુબઈ મારફતે કંડલા બંદર પર મોકલાયેલા ૧૩ કન્ટેનર ઝબ્બે : તુતીકોરીનમાંથી પકડાયેલા ગુગળ રાળ કેસમાં પણ બે શખ્સોની ધરપકડ
ગાંધીધામ - કચ્છઉદય : પાકિસ્તાનથી થતી આયાત પર ભારતે મૂકેલા પ્રતિબંધને ચાતરીને ત્રીજા દેશો મારફતે ગેરકાયદેસર રીતે માલસામાન ભારતમાં ઘુસાડવાના ષડયંત્ર સામે ડીઆરઆઈએ લાલ આંખ કરી છે. સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા એક વિશેષ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ કચ્છના કંડલા બંદર પરથી પાકિસ્તાનથી આયાત કરાયેલા ૩૬૪ મેટ્રિક ટન સૂકા ખજૂરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. કુલ ૧૩ કન્ટેનરમાં લાવવામાં આવેલા આ ખજૂરની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ આંકવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ માલ સંયુક્ત આરબ અમીરાતથી આવ્યો હોવાનું દર્શાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ ખજૂર પહેલા પાકિસ્તાનથી દુબઈ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી બીજા કન્ટેનરોમાં ટ્રાન્સફર કરીને ભારત મોકલવામાં આવ્યા હતા. આયાતકારોએ મૂળ દેશ અંગે ખોટી માહિતી આપીને ભારત સરકારના પ્રતિબંધિત આયાત નીતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી સીમા શુલ્ક અધિનિયમ, ૧૯૬૨ હેઠળ સમગ્ર ખેપ જપ્ત કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ ડીઆરઆઈ દ્વારા તુતીકોરીન બંદર પર રૂ. ૧.૪ કરોડની કિંમતનો ૧૪ મેટ્રિક ટન પાકિસ્તાની ગુગળ રાળનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સોમાલિયાથી આયાત કરાયાનું ખોટું ઘોષણાપત્ર આપીને દુબઈ થઈને મોકલાયેલા આ જથ્થા અંગે તપાસ કરતા બોગસ દસ્તાવેજોનો ખેલ સામે આવ્યો હતો. આ મામલે બે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. સંશોધિત વિદેશ વેપાર નીતિ-૨૦૨૩ અનુસાર, ૨ એપ્રિલ ૨૦૨૫થી પાકિસ્તાનથી આવતી તમામ ચીજવસ્તુઓની આયાત કે ટ્રાન્ઝિટ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું ઉલ્લંઘન કરનાર સંગઠિત તસ્કર નેટવર્ક સામે ડીઆરઆઈ દ્વારા કડક કામગીરી ચાલુ રહેશે.
----------

Comments