Trending News
સ્થાનિક સમાચાર

સામાખીયાળી ભચાઉ ફોરલેન પ્રોજેક્ટ અંતર્ગત રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ શરૂ 

05 August


પ્રથમ દિવસે સામાખીયાળી થી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-૨ લાઇનનું વિગતવાર નિરીક્ષણ : સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું


ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં સામાખીયાળી - ભચાઉ ફોરલેન પ્રોજેક્ટ અંતર્ગત નવી નિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇન પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલ સુરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણના પ્રથમ તબક્કાની શરૂઆત સામાખીયાળી રેલવે સ્ટેશનથી કરવામાં આવી.આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તેમજ મુખ્ય પ્રશાસનીક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 
નિરીક્ષણના પ્રથમ દિવસે રેલ સંરક્ષા આયુક્તે પ્રસ્તાવિત ડાઉન મેઇન-૨ લાઇન પર સામાખ્યાલીથી ભચાઉ વચ્ચેના લગભગ ૧૬.૪૦ કિલોમીટર લાંબા રેલખંડનું મોટર ટ્રોલી દ્વારા વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઇનની ગુણવત્તા, ટ્રેક જ્યોમેટ્રી, રેલ વેલ્ડિંગ, લેવલ ક્રોસિંગ, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો, રેલ સંરક્ષાના ધોરણો તેમજ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓનું સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવ્યું. 
નિરીક્ષણ દરમિયાન રેલ સંરક્ષા આયુક્તે સામાખ્યાલી રેલવે સ્ટેશનના યાર્ડ, સંચાલન વ્યવસ્થા, સિગ્નલિંગ પ્રણાલી, ઇન્ટરલોકિંગ, પોઇન્ટ મશીનો તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સંરક્ષા ઉપકરણોનું સઘન નિરીક્ષણ કર્યું. ત્યારબાદ કર્વ સંખ્યા ૬૩ બી ૧ સમપાર ફાટક (લેવલ ક્રોસિંગ) તેમજ બ્રિજ સંખ્યા ૨૫૪, ૨૬૧ અને ૨૬૧ એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વોંધ રેલવે સ્ટેશનનું પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યાં સ્ટેશનની સંચાલન ક્ષમતા, યાર્ડનું લેઆઉટ, સિગ્નલિંગ વ્યવસ્થા, યાત્રી સુવિધાઓ તેમજ સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. 
સમપાર ફાટક પર મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ કર્યો. સ્થાનિક નાગરિકોએ સમપાર ફાટક બંધ રહેવાના કારણે થતી અસુવિધા, લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાની તેમજ વૈકલ્પિક માર્ગ દ્વારા અવરજવર કરવાની સમસ્યાઓ અંગે તેમને અવગત કર્યા.આ અંગે મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને જનહિતને ધ્યાનમાં રાખીને સમસ્યાના ત્વરિત અને વ્યવહારુ ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી. નિરીક્ષણના આગામી તબક્કામાં ગુરુવારે ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
-----

Comments

COMMENT / REPLY FROM