વાગડપટ્ટાના ખેડૂતોને સબસિડીયુકત ખાતર માટે વલખાં, ઉદ્યોગોને બખ્ખાં!
યુરિયા ખાતરના મોટા કૌભાંડની ગંધ : તંત્ર કેમ સુસ્ત?
ચોમાસાની વાવણી ટાણે જ ખેડૂતોની હાલાકી વધી : સેવા સહકારી મંડળીઓનું ખાતર બારોબાર ફેક્ટરીઓમાં પહોંચતું હોવાની સ્થાનિકે વ્યાપક ફરિયાદ સાથે સનસનાટીભર્યો આક્ષેપ
વરસામેડી, ભીમાસર અને વરસાણાના ઔદ્યોગિક એકમોમાં દરરોજ ખાતરની મોટાપાયે ખેપ ઉતરતી હોવાનો દાવો. ભૂતકાળમાં કૌભાંડ પકડનારા અધિકારીઓની મૌન સંમતિ કે લાચારી? ઉચ્ચસ્તરીય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા
ગાંધધામ : વાગડ વિસ્તારમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વાવણીલાયક સાનુકૂળ વરસાદ થતાં જ ખેડૂતો હરખાઈ ઊઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં વાવણીની કામગીરી પૂર્ણ જોશમાં શરૂ થઈ ગઈ છે. ખેતરોમાં મોલ લહેરાવવા માટે અત્યારે ખેડૂતો રાત-દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. પરંતુ, આવી મહત્વપૂર્ણ સિઝન સમયે જ વાગડના ધરતીપુત્રો માટે યુરિયા ખાતરની ભારે અછત સર્જાતાં ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.એક તરફ પોતાના ખેતરમાં યોગ્ય સમયે ખાતર નાખી શકાય તે માટે ખેડૂતો લાઈનોમાં ઊભા રહીને યુરિયા ખાતર મેળવવા વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ કાળો બજાર કરતા તત્વો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે.સ્થાનિક સૂત્રો અને જાગૃત નાગરિકો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છના વરસામેડી, ભીમાસર અને વરસાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા જુદા જુદા એકમોમાં રોજેરોજ સબસિડીયુક્ત યુરિયા ખાતરનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. ખેતી માટે વાગડ વિસ્તારની વિવિધ સેવા સહકારી મંડળીઓ મારફતે સામાન્ય લાભાર્થીઓ અને ગરીબ ખેડૂતો માટે જે ખાતરનો જથ્થો ફાળવવામાં આવે છે, તે ખાતર ખેડૂતો સુધી પહોંચવાને બદલે બારોબાર ખાનગી ઉદ્યોગગૃહના દ્વારે પહોંચી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. ખેતીના નામે આવતું સબસિડીવાળું ખાતર ઔદ્યોગિક વપરાશ માટે ઊંચા ભાવે વેચી મારીને વચેટિયાઓ તથા કાળાબજારીયાઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને ગરીબ ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે.સૌથી વધુ આશ્ચર્યજનક અને શંકાસ્પદ બાબત તો એ છે કે, ભૂતકાળમાં આવી જ રીતે ખાતરની ચોરી અને ગેરકાયદેસર સપ્લાય પકડી પાડનારા નિષ્ઠાવાન અધિકારીઓ હાલમાં પોલીસ તંત્રના અન્ય વિભાગમાં ભચાઉ પંથકમાં જ ફરજ બજાવી રહ્યા છે. આમ છતાં, તેમની નાક નીચે જ આટલું મોટું ખાતર કૌભાંડ ફૂલીફાલી રહ્યું હોવા છતાં આ અધિકારીઓ અત્યારે શા માટે ચુપકીદી સાધીને બેઠા છે તેવો અણીયાળો સવાલ જાગૃત નાગરિકો અને ખેડૂત આગેવાનો ઉઠાવી રહ્યા છે. શું સ્થાનિક તંત્રના આશીર્વાદથી જ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે કે પછી કોઈ મોટા રાજકીય અને વહીવટી દબાણ હેઠળ અધિકારીઓ કોઈ કડક કાર્યવાહી કરતાં અચકાઈ રહ્યા છે તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ જો આ સમગ્ર મામલામાં તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ નીમીને તપાસ કરવામાં આવે, તો વાગડ પંથકમાં ચાલતું ખાતરચોરીનું એક બહુ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. સરકાર અને ઉચ્ચ વહીવટી તંત્ર ત્વરિત ધોરણે આ બાબતે કડક પગલાં ભરી ખેડૂતોને તેમના હકનું ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

Comments