ભુજની રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનો માહોલ : કરોડોના ખર્ચે બનેલા પ હજારથી વધુ મકાનો અને દુકાનો ખાલીખમ
ભાવ આસમાને અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ : મધ્યમ વર્ગ માટે ભુજમાં ઘર ખરીદવું બન્યું મુશ્કેલ : બિલ્ડરો પાસે પુરવઠો વધુ પણ ખરીદદારોની અછત
ભુજ - કચ્છઉદય : કચ્છના મુખ્ય મથક ભુજમાં છેલ્લા એક દાયકામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાગળ પર નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો છે. એરપોર્ટ રિંગ રોડ, રતીયા, કોડકી સીમ, સુરજપીડ વિસ્તાર, મીરજાપર, મુન્દ્રા રોડ, માધાપરથી ગંગેશ્વર સુધીનો વિસ્તાર અને કોલેજ રોડ ભુજ શહેરની અંદર અને ચારો વિસ્તારોમાં મોટા પાયે રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટો ઊભા થયા છે. એક અંદાજ મુજબ પ હજારથી વધુ નવા મકાનો અને બંગલાઓનું નિર્માણ થયું છે. જોકે, આ ઝગમગતા વિકાસની પાછળનું વાસ્તવિક ચિત્ર ચિંતાજનક છે. તૈયાર થયેલા અનેક પ્રોજેક્ટોમાં આજે પણ મોટી સંખ્યામાં મકાનો અને દુકાનો ધૂળ ખાઈ રહ્યા છે.ન્યૂ ભુજ તરીકે વિકસેલા એરપોર્ટ રિંગ રોડ વિસ્તાર અને મુન્દ્રા રોડ પર આધુનિક સુવિધાઓના દાવા સાથે અનેક ટાઉનશિપ બની છે. પરંતુ મોટા ભાગના ઘરો હજુ બંધ હાલતમાં છે અને ગણતરીના પરિવારો જ વસવાટ કરે છે. માધાપરથી ગંગેશ્વર પટ્ટામાં પણ આ જ સ્થિતિ છે. કોમર્શિયલ ક્ષેત્રે કોલેજ રોડ, એરપોર્ટ રોડ, મુન્દ્રા, મિરજાપર અને માધાપર જતા અને શહેરમાં અને બસ સ્ટેશન અને શહેરના મધ્યભાગમાં બનેલા આધુનિક શોપિંગ સેન્ટરોમાં વર્ષોથી કેટલાક દુકાનો ખાલી પડી છે, જેના કારણે કરોડોના કોમ્પ્લેક્સમાં વસ્તી ન હોવાના કારણે સૂમસામ વાતાવરણ જોવા મળે છે.બિલ્ડરો દ્વારા સિમેન્ટ, સ્ટીલ અને મજૂરીના ભાવ વધારાનું કારણ આપીને મિલકતોના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, ખરીદદારોનું માનવું છે કે બાંધકામ ખર્ચ કરતા વેચાણ કિંમતમાં અનેકગણો વધારો કરાયો છે. બેકિંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રોપર્ટીના ભાવ વધવાની સાથે છેલ્લા કેટલાક સમયથી મધ્યમવર્ગીય પરિવારો દ્વારા નવી હોમ લોન લેવાના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ૩૦ થી ૫૦ લાખના મકાનના ઊંચા હપ્તા ભરવા સામાન્ય નોકરિયાત માટે શક્ય ન હોવાથી, બે કે ત્રણ બેડરૂમનું ઘર ખરીદવું હવે પહોંચની બહાર છે. બીજી તરફ ઊંચા ભાવને કારણે નાના વેપારીઓ નવી દુકાન ખરીદવાને બદલે ભાડે રાખવાનું વધુ સલામત માની રહ્યા છે.
....................
બિલ્ડરોની હૈયાવરાળ : તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ, તેથી પ્રોજેક્ટ ખાલીખમ
બીજીતરફ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરોનો દાવો છે કે નવી જંત્રીના દરો, જમીનના ઊંચા ભાવ અને સરકારી મંજૂરીઓમાં થતા વિલંબના કારણે પ્રોજેક્ટ કોસ્ટ વધી જાય છે. નામ ન આપવાની શરતે કેટલાક અગ્રણી બિલ્ડરોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, અમે કરોડો રૂપિયાનું રોકાણ કરીને આધુનિક મકાનો બનાવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા સમયસર પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી. માધાપર હોય, એરપોર્ટ કે મુન્દ્રા રોડ, શહેર વિસ્તરી રહ્યું છે પરંતુ ત્યાં પાકા રસ્તા અને સ્ટ્રીટ લાઇટ યોગ્ય રીતે પહોંચી નથી. ગ્રાહકો મકાન જોવા આવે ત્યારે સુવિધાઓનો અભાવ જોઈને ખરીદી માંડી વાળે છે, જેથી અમારા મકાનો ખાલી પડ્યા છે.
........................
માત્ર ‘ઇન્વેસ્ટમેન્ટ’ના કારણે ઊભી થયેલી કૃત્રિમ તેજી
ભુજના રિયલ એસ્ટેટ માર્કેટમાં આ કૃત્રિમ તેજીનું એક મોટું કારણ માત્ર રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ હોવાનું સપાટી પર આવ્યું છે. મુંબઈ કે વિદેશમાં વસતા કચ્છીઓ અને મોટા માથાઓ દ્વારા ભુજમાં મોટા પાયે મિલકતો ખરીદવામાં આવી છે. તેમનો મુખ્ય હેતુ અહીં વસવાટ કરવાનો નહીં, પરંતુ ભવિષ્યમાં ભાવ વધે ત્યારે નફો કમાવવાનો હોય છે. આ ટ્રેન્ડના કારણે પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે, અને જે સ્થાનિક માણસને ખરેખર રહેવા માટે ઘરની જરૂર છે, તે આ ભાવવધારાનો ભોગ બની રહ્યો છે. પરિણામે, કરોડોના ખર્ચે બનેલી નવી ટાઉનશિપો હાલ ‘ઘોસ્ટ ટાઉન’ જેવી ભાસી રહી છે.
........................
પ્રીમિયમ ભાવ, પણ સુવિધાઓનો અભાવ
રહેણાંક વિસ્તારોમાં બિલ્ડરો પ્રીમિયમ પ્રોજેક્ટ તરીકે ઊંચા ભાવ વસૂલે છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ, જાહેર પરિવહન અને બગીચા જેવી પ્રાથમિક સુવિધાઓનો હજુ પૂરતો વિકાસ થયો નથી. રિયલ એસ્ટેટના નિષ્ણાતો માને છે કે બજારમાં અત્યારે માંગ કરતા પુરવઠો વધી ગયો છે. કૃત્રિમ માંગ ઊભી કરવા ભાવ વધારાની જાહેરાતો કરાય છે, પણ વાસ્તવમાં અંતિમ તબક્કે ઓછા ભાવે પણ સોદા થાય છે. જો પ્રોપર્ટીના ભાવ વાસ્તવિક માંગ અને સામાન્ય લોકોની ખરીદશક્તિ મુજબ સંતુલિત નહીં થાય, તો આગામી સમયમાં ભુજના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીનું આ ચિત્ર વધુ ઘેરૂ બની શકે છે.
...................
ભાડા પાસે કરોડોનું ભંડોળ છતાં સીટી બસના કોઈ ઠેકાણાં નહીં
નવા વિસ્તારોને જોડતી ‘સીટી બસ’ જેવી કોઈ જ જાહેર પરિવહન વ્યવસ્થા ભુજમાં ઉપલબ્ધ નથી. જાણકારોના મતે ભાડા પાસે વિકાસ કામો માટે કરોડો રૂપિયાનું ભંડોળ પડ્યું છે, તેમ છતાં ગ્રાઉન્ડ પર કોઈ નક્કર કામો થતા નથી. નગરપાલિકા અને ભાડાના જવાબદાર અધિકારીઓ દ્વારા વારંવાર કામો શરૂ થશે તેવા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ પબ્લિકને યોગ્ય સુવિધાઓ મળતી નથી.
.................
લોકો શું કહે છે ?
• અમે જીવનભરની કમાણી ભેગી કરીને નવા વિસ્તારમાં ઘર લેવાનું વિચારીએ, તો ત્યાં ન તો પાકા રસ્તા છે, ન તો રાત્રે સ્ટ્રીટ લાઈટ સળગે છે. બાળકોને સ્કૂલે મોકલવા કે બજાર જવા માટે સીટી બસ પણ નથી. તો પછી લાખો રૂપિયાનું દેવું કરીને આવા અવાવરુ વિસ્તારમાં રહેવા જવાનો અર્થ શું? નગરપાલિકા માત્ર વેરા ઉઘરાવવામાં જ રસ દાખવે છે. - ભાડે રહેતા એક મધ્યમવર્ગીય નાગરિકનો આક્રોશ
• બિલ્ડરે મકાન વેચતી વખતે મોટા દાવા કર્યા હતા, પણ અહીં આવ્યા પછી ખબર પડી કે નગરપાલિકા કે ભાડા કોઈ સુવિધા આપતા નથી. કરોડોનું ફંડ હોવા છતાં વરસાદી પાણીના નિકાલની કે નિયમિત સફાઈની વ્યવસ્થા નથી. તંત્રના પાપે અમે અમારા જ ઘરમાં હાલાકી ભોગવી રહ્યા છીએ.- નવા વિસ્તારમાં મકાન ખરીદનાર ગ્રાહક

Comments