Trending News
સ્થાનિક સમાચાર

સામાખિયાળી-ભચાઉ ચૌહરીકરણ સેક્શનનું સીઆરએસ દ્વારા સુરક્ષા નિરીક્ષણ કરાશે

04 August




જનતાને રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં રેલવે અવસંરચનાના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. સામખિયાળી - ગાંધીધામ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો વચ્ચે નવી નિર્મિત ૩૨.૯૦ ટ્રેક કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર યાત્રી રેલ સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા ૫ અને ૬ ઑગસ્ટના સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે.
નિરીક્ષણ દળમાં રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહેશે. ૫ ઑગસ્ટના સામખિયાળીથી ભચાઉ વચ્ચે ડાઉન લાઇન પર મોટર ટ્રોલી દ્વારા વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે ૬ ઑગસ્ટના ભચાઉથી સામખિયાળી વચ્ચે અપ લાઇન પર મોટર ટ્રોલી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ બંને નવી રેલ લાઇનો પર ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઑબ્ઝર્વેશન કાર સાથે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એન્જિન સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
યાત્રી રેલ સંચાલનની મંજૂરી આપતા પહેલાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, પુલો, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો, ઇન્ટરલોકિંગ વ્યવસ્થા, ઓએમએસ પરીક્ષણ તેમજ અન્ય તમામ સંરક્ષા ધોરણોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. સાથે જ ઉચ્ચ ગતિએ સુરક્ષિત ટ્રેન સંચાલનની પણ તપાસ કરવામાં આવશે.
-----

જનતા માટે ખાસ અપીલ

સંરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નાગરિકો અને સ્થાનિક રહેવાસીઓને વિનંતી છે કે ૦૫ અને ૬ ઑગસ્ટના નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ દરમિયાન સામખિયાળી - ભચાઉ રેલખંડની રેલવે લાઇન અને તેની આસપાસના વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવી રાખે તથા કોઈપણ સંજોગોમાં રેલવે ટ્રેક પાર ન કરે. આ દરમિયાન આ રેલખંડ પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
-----

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
• કુલ ૩૨.૯૦ ટ્રેક કિલોમીટર નવી ત્રીજી અને ચોથી રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ડાઉન લાઇન ૧૬.૩૯૮ કિલોમીટર અને અપ લાઇન ૧૬.૫૦૨ કિલોમીટર લાંબી છે.
• સમગ્ર ૩૨.૯૦ ટ્રેક કિલોમીટરમાં નવી રેલ લાઇનનું ટ્રેક લિંકિંગ અને બિછાવવાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
• પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં અંદાજે ૬.૨૫ લાખ ઘન મીટર અર્થવર્ક, ૧.૨૭ લાખ ઘન મીટર બ્લેન્કેટિંગ તથા ૦.૯૬ લાખ ઘન મીટર બેલાસ્ટ બિછાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
• પ્રોજેક્ટ હેઠળ ૪ મેજર પુલ અને ૨૫ માઇનર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• સામખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો પર જરૂરી રેલવે અવસંરચનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે તથા ચોહરીકરણ  પ્રોજેક્ટને અનુરૂપ ૯ સમપાર ફાટકો (લેવલ ક્રોસિંગ)નું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.
---

પ્રાદેશિક વિકાસ અને કનેક્ટિવિટીને મળશે નવી મજબૂતી

પશ્ચિમ રેલવે પોતાના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા સતત કાર્યરત છે. આ જ દિશામાં અમદાવાદ મંડળના સામાખ્યાલી-ભચાઉ રેલખંડ પર ચોહરીકરણ  પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારમાં સતત વધી રહેલા રેલવે ટ્રાફિકના દબાણને ઘટાડવા તેમજ બંદર આધારિત માલપરિવહનને વધુ ઝડપી, સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સામખિયાળી - ભચાઉ રેલખંડના ઔદ્યોગિક વિસ્તારો તેમજ કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડતો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ દ્વારા ભુજ, ગાંધીધામ, વાયોર અને આસપાસના વિસ્તારોમાંથી મોટા પાયે માલપરિવહન કરવામાં આવે છે. હાલમાં અમદાવાદ મંડળમાં સૌથી વધુ ગ્રોસ મિલિયન ટન ટ્રાફિક આ જ રેલખંડ પરથી પસાર થાય છે. સતત વધી રહેલા રેલવે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર વધારાની રેલ લાઇનોની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી. ચોહરીકરણ કાર્ય પૂર્ણ થતાં આ રેલખંડની લાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત બની શકશે.
પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ કંડલા અને મુન્દ્રા બંદરોમાંથી કન્ટેનર, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, અનાજ, મીઠું તથા અન્ય માલસામાનના પરિવહનને નવી ગતિ મળશે. પરિણામે માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે, વેગનોનો વધુ અસરકારક ઉપયોગ થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ ઉદ્યોગ, વેપાર અને નિકાસ ક્ષેત્રને મળશે. આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે તેમજ વેપાર, પ્રવાસન, રોજગાર અને રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
------

Comments

COMMENT / REPLY FROM