જીએનઆરએફ દ્વારા સમગ્ર કચ્છમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું
ભુજ - કચ્છઉદય : ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા જુલાઈ માસ દરમિયાન "સેવ નેચર - ગ્રીન કચ્છ" અભિયાન અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વરસાદી ઋતુને અનુકૂળ સમયનો લાભ લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત ભુજ, અંજાર, લાખપત, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, રાપર, અબડાસા સહિત કચ્છના વિવિધ તાલુકાઓ અને ગામોમાં જીએનઆરએફના સ્વયંસેવકો, યુવાનો અને સ્થાનિક નાગરિકોના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ અને હરિયાળું કચ્છ બનાવવાના સંદેશ સાથે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. જીએનઆરએફના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, વૃક્ષોનું વાવેતર માત્ર આજ માટે નહીં પરંતુ આવનારી પેઢીના સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય માટે પણ અત્યંત જરૂરી છે. જીએનઆરએફ દ્વારા આગામી સમયમાં પણ સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન તેમજ અન્ય જનકલ્યાણકારી કાર્યક્રમો સતત યોજવામાં આવશે. ફાઉન્ડેશને તમામ નાગરિકોને હરિયાળા કચ્છના નિર્માણમાં સહભાગી બનવા માટે અપીલ કરી છે.
-----

Comments