Trending News
સ્થાનિક સમાચાર

આંતરરાષ્ટ્રીય તબીબી મંચ ઉપર કચ્છના મહિલા તબીબનું પોસ્ટર પ્રસ્તુત

04 August




વાગડ વેલ્ફેર હોસ્પિટલના મહિલા દંતચિકિત્સક ડો. ગ્રેન્સી જોબનપુત્રાએ કચ્છની ઉત્તમ ચિકિત્સા અંગેનું પોસ્ટર બનાવી  વિશ્વમાં કચ્છનું નામ રોશન કર્યું 

આદીપુર - કચ્છઉદય : વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર હોસ્પિટલના ડો. ગ્રેન્સી કનૈયાલાલ જોબનપુત્રાએ ડો. રાહુલ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલું "પ્રિસિઝન બિયોન્ડ બાઉન્ડરીઝ  ઝાયગોમેટિક નેવિગેશન ઇન કચ્છ" વિષય પર પોસ્ટર પ્રસ્તુતિ માટે આંતરરાષ્ટ્રીય તબીબી વિજ્ઞાનના મંચ પર પસંદ થયું હતું. આ પોસ્ટરનો મુખ્ય સંદેશ હતો કે "પ્રિસિઝન" એટલે કે સારવારમાં અતિશય ચોકસાઈ ક્યારેય ભૌગોલિક સીમાઓ પર આધારિત હોતી નથી. કચ્છ જેવા દૂરના વિસ્તારમાં પણ અદ્યતન નેવિગેશન ટેક્નોલોજી (આધુનિક માર્ગદર્શિત સર્જરી પદ્ધતિ) દ્વારા વિશ્વસ્તરીય સારવાર દર્દીઓને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવી શકાય છે, તે આ પ્રસ્તુતિ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું હતું.હોસ્પિટલ દ્વારા આધુનિક ટેક્નોલોજી, નિષ્ણાત તબીબી સેવા અને દર્દી કેન્દ્રિત અભિગમના સમન્વયથી કચ્છમાં પણ વિશ્વસ્તરીય ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર ઉપલબ્ધ બની રહી છે તે બાબતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરવામાં આવી હતી. શ્રી વાગડ વેલ્ફેર હોસ્પિટલ સતત નવીન ટેક્નોલોજી અપનાવી શ્રેષ્ઠ સારવાર અને સેવા તથા સમર્પણ માટે પ્રસિદ્ધ છે.હોસ્પિટલ પરિવાર દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ કચ્છના દર્દીઓને મહાનગરોમાં જવું ન પડે તે માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કરાવવાની નેમ છે. આ સિદ્ધિ માટે હોસ્પિટલના મોભી અને કચ્છીઅગ્રણી શ્રી તલકશીભાઈ નંદુ, ડો. મનહરભાઈ શાહ, એડમીન સ્ટાફ ઇશ્વરભાઇ ઓઝા અને શીતલભાઈ જોષીએ ડો.જોબનપુત્રાને અભિનંદન આપ્યા હતા.
ડૉ. ગ્રેન્સી કે. જોબનપુત્રા યુવા અને પ્રતિભાશાળી ડેન્ટલ સર્જન તરીકે આધુનિક ટેક્નોલોજી આધારિત સારવારના નિષ્ણાત છે. ગ્રેન્સીબેનના વડીલો ખાવડાના હોવાથી ખાવડા લોહાણા સમાજ પણ ગૌરવ અનુભવે છે.ખાવડાના વરિષ્ઠ અગ્રણી શ્રી હીરાલાલ રાજદે ,દત વિકાસ સમિતિના શ્રી વિપુલ તન્ના, શ્રી પંકજભાઇ રાજદે, પ્રાણલાલભાઈ, ભુપેન્દ્રભાઈ ગણાત્રા, આદીપુર મહિલા મંડળના મંત્રી દિપ્તિબેન,  લોહાણા સમાજના પ્રમુખ ડો. મુકેશ ચંદે દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. સમગ્ર કચ્છ આ સિદ્ધિ માટે ગૌરવ અનુભવે છે.
---- 

 

Comments

COMMENT / REPLY FROM