માતૃછાયા પ્રાથમિક વિભાગમાં યોજાયો વિદ્યાર્થી માટેનો ચારિત્ર્ય ઘડતર સેમિનાર કાર્યક્રમ
ભુજ - કચ્છઉદય : માતૃછાયા પ્રાથમિક વિભાગની ધોરણ-૭ અને ધોરણ-૮ની વિદ્યાર્થીઓ માટે ‘લક્ષ્યવેધ’ અંતર્ગત મૂલ્યનિષ્ઠ જીવન અંગે ‘આર્ષ અધ્યયન કેન્દ્ર’ના અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનાં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી તરીકે સ્વધર્મનું પાલન કેવી રીતે કરવું જોઈએ, શિસ્તનું શું મહત્વ છે, દિકરીઓએ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું, જીવનમાં માતા-પિતાનું સ્થાન તથા વર્તન કઈ રીતે કરવું જોઈએ વગેરે જેવા વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્વામીજીએ પોતાની રસાળ તથા આકર્ષક શૈલીમાં બધા જ વિદ્યાર્થીઓને જીવન જીવવાનું ભાથું પૂરું પાડ્યું હતું. પ્રવચનના અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં જીવનમાં નિરાશા આવે તો કેવી રીતે સામનો કરવો, સેલ્ફ કૉન્ફિડન્સ કઈ રીતે વધારવો, ચારિત્ર્યવાન વ્યક્તિ કઈ રીતે બનવું, આત્મહત્યાના વિચારો માંથી કઈ રીતે બહાર આવવું વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને સ્વામીજી દ્વારા દરેકની જિજ્ઞાસા સંતોષાય તથા જીવન જીવવાનો નવો રસ્તો મળે તેવા ઉત્તરો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાની વિદ્યાર્થીનીઓ મિષ્ટી સેરસીયા તથા હની ગુંસાઈ એ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. સંચાલન શિક્ષિકા વૈશાલીબેન શાહે કર્યું હતું. શાળાના આચાર્યા પંકજબેન રામાણીએ સમગ્ર સેમિનાર માટે પ્રેરણા તેમજ પ્રોત્સાહન પૂરૂં પાડી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટ્રસ્ટી મંડળે આવા મૂલ્યનિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આચાયાર્શ્રી તેમજ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.
------

Comments