Trending News
સ્થાનિક સમાચાર

સરકારનો વીજ લાઈન પરિપત્ર રદ્દ કરવા અને યોગ્ય વળતર આપવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

03 August


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્ય સરકારના ૪ જુલાઈ ૨૦૨૬ના વીજ લાઈન સંબંધિત પરિપત્ર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને સુપ્રત કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, રાજ્ય સરકારના આ નવા પરિપત્રથી વીજ લાઈન કે ટાવર પસાર થવાથી જમીન ગુમાવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પરિપત્રમાં વીજ કંપનીઓના હિત સચવાય તે રીતની જોગવાઈઓ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે વીજ લાઈન અને ટાવરના કોરિડોર હેઠળ આવતી ખેડૂતોની કિંમતી જમીન કાયમી ધોરણે બિનઉપયોગી બની જાય છે અને તેના બજાર મૂલ્યમાં ભારે ઘટાડો થાય છે, છતાં સરકાર દ્વારા વળતરની ગણતરી અને જમીનના જંત્રી કે વેલ્યુએશન નક્કી કરવામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે તફાવત રાખીને ખેડૂતો સાથે અણન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂત નેતાઓએ સ્પષ્ટ માગ કરી છે કે આ ખેડૂત વિરોધી પરિપત્ર તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે અને જમીન સંપાદન કાયદા મુજબ ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજારભાવ અનુસાર ચાર ગણું વળતર ચૂકવવામાં આવે.
આ આવેદન પત્ર ની આપતી વેળા એ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ,  વિપક્ષના નેતા રાજેશભાઈ આહીર, તાલુકા અને શહેરના પ્રમુખો, પાંખ સેલના પ્રમુખો, જીલ્લા સમિતિના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, હોદેદારો ,કાર્યકરો જોડાયા હતા તેવું કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું હતું.       
--------

ગરીબોના મકાનો અને પ્રાચીન ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી અટકાવો 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં કોઈપણ નડતર વગર ગરીબ લોકોના મકાનો તથા વર્ષો જૂના ધાર્મિક સ્થાનો દબાણના નામે તોડી પાડવાની ચાલતી કામગીરી સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે રજૂઆત કરતા જણાવ્યું છે કે દબાણ હટાવવાની પ્રક્રિયામાં પૂર્વગ્રહ રાખીને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જે વ્યાજબી નથી.
કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગરીબોના કાચા મકાનો તોડવાના બદલે તેમને ૧૦૦ ચોરસવારના પ્લોટ મંજૂર કરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનો આપવામાં આવે તેમજ હાલના મકાનોને આકારણી પત્રકે ચડાવી નિયમિત (રેગ્યુલાઈઝ) કરવામાં આવે. આ ઉપરાંત સ્વામિત્વ યોજના હેઠળ ગામતળની તમામ મિલકતોની માપણી કરી નકશા તૈયાર કરી ગરીબોના આશિયાના કાયદેસર કરવામાં આવે. તદુપરાંત, વર્ષો જૂના મંદિર, મસ્જિદ કે દરગાહ જેવા આસ્થાના કેન્દ્રોને નડતરરૂપ ન હોવા છતાં ડિમોલિશન કરવાથી દૂર રહેવામાં આવે અને સમગ્ર સરહદી વિસ્તારમાં સર્વે કરી આવા સ્થાનોનો યોગ્ય રેકોર્ડ તૈયાર કરવામાં આવે. જિલ્લામાં આશરે ૫ લાખ એકર ગૌચર અને સરકારી જમીન પર મોટા નેતાઓ તથા વગદારો દ્વારા થયેલા મોટા દબાણો હટાવવાને બદલે માત્ર ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM