Trending News
સ્થાનિક સમાચાર

મેઘલાડુની મીઠાશમાં ખીલ્યો શિશુ શિક્ષણનો ભારતીય મર્મ

03 August


તનને મેઘલાડુ અને મનને ભારતીય જ્ઞાનનાં ભાથાં સાથે સુખપરમાં યોજાયો અભિનવ પ્રશિક્ષણ વર્ગ

ભુજ - કચ્છઉદય : વરસાદી માહોલ વચ્ચે સુખપર ગામે શ્યામ સરસ્વતી વિદ્યાલયનાં આંગણે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન પશ્ચિમ કચ્છના ૧૨ વિદ્યાલયોના ૭૦ આચાર્યા માટે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ફાઉન્ડેશન સ્ટેજ પ્રશિક્ષણ વર્ગ શિક્ષણ, લોકપરંપરા અને ભારતીય જ્ઞાન પરંપરાના અનોખા સમન્વય સાથે સંપન્ન થયો હતો. વર્ગ દરમિયાન આચાર્યોને તનને મેઘલાડુનું પોષણ અને મનને ભારતીય જ્ઞાનનું ભાથું આપીને શિક્ષણના ભારતીય મર્મનો જીવંત અનુભવ કરાવ્યો હતો.
કચ્છના લોકજીવનમાં આજે પણ મેઘરાજાને રીઝવવા માટે ઘઉંનો લોટ, ગોળ અને ઘીમાંથી ‘મેઘલાડુ’ બનાવવાની પરંપરા જીવંત છે. વરસાદને રીઝવવા સેટેલાઇટ અને હવામાન એપના યુગમાં પણ અહીં ભડલીના વેણ અને ગામના વડીલોના અનુભવજ્ઞાન પર લોકોનો વિશ્વાસ આજે પણ અકબંધ છે. વિજ્ઞાન વરસાદના કારણો સમજાવે છે, જ્યારે લોકજીવન શ્રદ્ધાથી માને છે કે "મનથી કરેલી પ્રાર્થના મેઘરાજાને પણ ધરતી પર પધારવા રાજી કરે છે." અહીં ઘઉં, ગોળ અને ઘીથી બનતો મેઘલાડુ માત્ર મીઠાઈ નથી, તે ચોમાસામાં મંદ પડેલા પાચનનું લોકઔઓષધ છે, મુરઝાતા મોલ માટે આશાનું કિરણ છે, પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે અને સમૃદ્ધ પાક માટેની સામૂહિક પ્રાર્થના છે. આ લોકપરંપરાને પ્રશિક્ષણ સાથે સાંકળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દર્શાવાયેલા અનુભવાત્મક શિક્ષણ, સ્થાનિક જ્ઞાન પરંપરા અને જીવનમૂલ્ય આધારિત શિક્ષણને જીવંત સ્વરૂપ આપીને મેઘરાજાને વધાવવા મેઘલાડુનો આસ્વાદ કરાવી આસ્થાનો ઉત્સવ ઉજવાયો હતો.
ફાઉન્ડેશન સ્ટેજના પ્રશિક્ષણમાં શિશુના પંચકોશાત્મક વિકાસ, રમત આધારિત શિક્ષણ, ભારતીય જ્ઞાન પરંપરા તથા વૈવિધ્યસભર પ્રાયોગિક, સૈદ્ધાંતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને જીવન સાથે કેવી રીતે સાંકળી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનાથી સહભાગી આચાર્યાએ અનુભવ્યું કે બાળક માટેનું શ્રેષ્ઠ શિક્ષણ તેના પરિવાર, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમાજ સાથે જોડાયેલું હોય છે. દેશમાં નકારાત્મક અને ભ્રમના વિવિધ પ્રવાહો વચ્ચે વિદ્યા ભારતીના શિક્ષણસેવાવ્રતી કાર્યકતાઓ ‘ભારતના નવોત્થાનનાં દ્રઢ સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યા છે. તેઓ માને છે કે "દરેક શિશુ એક વિકાસશીલ ચેતના છે, શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પૂરક જ નહીં, પરંતુ પરસ્પરના પોષક પણ છે." 
આ પ્રશિક્ષણ વર્ગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉ. કેશુભાઈ મોરસાણિયા, વિભાગ અધ્યક્ષ ડૉ. પંકજભાઈ શાહ, ઉપાધ્યક્ષ માવજીભાઈ રાબડીયા, તજજ્ઞ આચાર્યો હીનાબેન ગોર, કાંતાબેન અને શાંતાબેન ખેતાણી, પૂર્ણકાલીન કાર્યકર ઉષાબા ચુડાસમાના અનુભવી માર્ગદર્શન સાથે કાનજીભાઈ વેકરિયા અને કરશનભાઈ ભુવા સહિતના સ્થાનિક ટ્રસ્ટી પરિવારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બે દિવસીય આ પ્રશિક્ષણ વર્ગ બાદ સૌ આચાર્યોએ અનુભવ્યું કે આ વર્ગમાં માત્ર તાલીમ જ નહીં, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરા, શિશુ વિકાસ અને ફાઉન્ડેશન સ્ટેજના સર્જનાત્મક શિક્ષણની સમૃદ્ધ સમજનું ભાથું મળ્યું છે. સુખપરનો આ અભિનવ વર્ગ એ સાબિત કરી ગયો કે જ્યારે શિક્ષણ, શ્રદ્ધા, વિજ્ઞાન અને લોકપરંપરા એકબીજાનો હાથ પકડે છે ત્યારે વર્ગખંડ સાચા અર્થમાં ‘જ્ઞાનયજ્ઞ’ બની જાય છે. 
----------

Comments

COMMENT / REPLY FROM