Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ કાર્ડનું લોકાર્પણ કરાયું

03 August



કે.કે. પટેલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું 

ભુજ - કચ્છ ઉદય :  કે.કે. પટેલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છના સંયુક્ત ઉપક્રમે વરિષ્ઠ નાગરિકોને વધુ સારી અને સરળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રથમ વખત વિશેષ "હેલ્થ કાર્ડ"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો અને કાઉન્સિલના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડૉ. મેહુલ કાલાવાડીયા અને એમડી ફિઝિશિયન ડૉ. પાર્થ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છના પ્રમુખ શશીકાંતભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રાજુભાઈ પુરોહિત, ખજાનચી જયેન્દ્રસિંહ બાલુભા જાડેજા, મંત્રી દિલીપભાઈ જોશી, કો-ઓપ્ટેડ સભ્ય કોકિલાબેન મહેતા, સી.પી. જેઠીભાઈ, અબ્દુલભાઈ જુમાણી સહિત અંદાજે ૪૨ કારોબારી સભ્યોની હાજરીમાં હેલ્થ કાર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ડૉ. મેહુલ કાલાવાડિયાએ ૬૦ વર્ષ પછી પણ તંદુરસ્ત અને સક્રિય જીવન માટે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, માનસિક સ્વાસ્થ્ય અને હકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. પાર્થ રાઠવાએ ડાયાબિટીસથી બચવાના ઉપાયો, નિયમિત હેલ્થ ચેકઅપનું મહત્વ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમના સફળ આયોજનમાં હોસ્પિટલની માર્કેટિંગ, પીઆરઓ  અને આઈટી  ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હોસ્પિટલના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સ્ટ્રોક (લકવો)ની તાત્કાલિક સારવાર માટે કચ્છમાં પ્રથમ વખત હોટ લાઈન નંબર ૦૨૮૩૨-૨૩૬૦૦૧ શરૂ કરવામાં આવ્યો છે.હોસ્પિટલના જણાવ્યા મુજબ હેલ્થ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને વધુ સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો પ્રયાસ છે. ભવિષ્યમાં પણ સમાજના આરોગ્ય હિતમાં આવા જનકલ્યાણકારી કાર્યક્રમો યોજવામાં આવશે.
--

Comments

COMMENT / REPLY FROM