Trending News
સ્થાનિક સમાચાર

ખાવડાના દીનારા-લાખાવાંઢ સીમમાં ગેરકાયદે ગૌવંશ કતલનો  પર્દાફાશ : ૮૦ કિલો માંસ સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર

03 August




ચાર દિવસમાં પોલીસની બીજી કાર્યવાહી : પખવાડિયામાં ત્રીજી

ભુજ - કચ્છઉદય : ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દીનારા-લાખાવાંઢ ગામની સીમમાં ગેરકાયદે ગૌવંશ કતલની પ્રવૃત્તિનો પોલીસે 
પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી આશરે ૮૦ કિલો ગૌવંશનું માંસ, કતલમાં વપરાતા હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ૩ આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વ્રજભાઈ ચૌધરી નાઇટ 
પેટ્રોલિંગમાં હતા ત્યારે લાખાવાંઢ ગામની સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે ગેરકાયદે ગૌવંશ કતલ થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે એક આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીની ઓળખ હનીફ જુણસ સમા (રહે. મોટા દીનારા લાખાવાંઢ, તા. ભુજ) તરીકે થઈ હતી. તેણે અન્ય ત્રણ શખસો સાથે મળી ગોવંશનું કતલ કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસને જોઈ અન્ય ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓમાં જબાર જુણસ સમા, અલ્લાજુડીયા તૈયબ સમા અને અલ્લાબક્ષ લાખા સમા (તમામ રહે. મોટા દીનારા લાખાવાંઢ, તા. ભુજ)નો સમાવેશ થાય છે. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી આશરે ૮૦ કિલો ગૌવંશનું માંસ, ત્રણ છરા, એક કુહાડી, લાકડાનો બ્લોક, 
તપેલું, કંતાનની થેલીઓ તેમજ ગોવંશના કાનમાં લગાવેલો ટેગ સહિત કુલ અંદાજે રૂ. ૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પર પશુચિકિત્સક દ્વારા પણ જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ અંગે ખાવડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૯, ૩૨૫, ૫૪ તેમજ ગુજરાત 
પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ અને પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ બી. એ. ડાભી ચલાવી રહ્યા છે.  મહત્ત્વનું છે કે, શુક્રવારે એલસીબીએ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પૈયા ગામની સીમમાં ગૌવંશનું કતલખાનું પકડી ૧૦૦ કિલો માંસ સાથે બે શખ્સોને પકડ્યા હતા. જ્યારે ત્રણ ભાગી ગયા હતા. આ પૂર્વે સુમરાસર સીમમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પખવાડિયામાં ગૌવંશના ગેરકાયદે કતલ પર ત્રીજી કાર્યવાહી કરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM