Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં જુગારની ક્લબો ધમધમી,  SMC દરોડા પાડે છે, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય 

03 August




સેડાતામાં એસએમસીની કાર્યવાહી  બાદ પણ ભુજ અને આસપાસના વિસ્તારોમાં મોટા જુગારધામો ધમધમતા હોવાના આક્ષેપ : ગોંડલની જેમ કચ્છમાં પણ તપાસ થાય તો ખાખી વર્દીની મિલીભગત અને ’નાલ’ના વ્યવહારોનો પર્દાફાશ થવાની શક્યતા


ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખાસ કરીને ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી જુગારની બદીએ માથું ઊંચક્યું છે. પાલારા સીમ હોય, ભારાપર હોય, માધાપર હોય કે પછી સેડાતા, આ તમામ સ્થળોએ મોટા પાયે જુગારની ક્લબો ધમધમી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. એક તરફ પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે જુગારની આ પ્રવૃત્તિઓ વધુ વકરે તેવી દહેશત સેવાઈ રહી છે, તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક વેધક સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સેડાતા વિસ્તારના જંગલમાં ચાલતા મોટા જુગારધામ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ મેગા ઓપરેશન બાદ માનકૂવાના પીઆઈ તેમજ અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરી બદલીઓ પણ કરવામાં આવી હતી. આટલી મોટી કાર્યવાહી બાદ અપેક્ષા હતી કે સ્થાનિક પોલીસ સફાળી જાગશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આજે પણ ભુજ અને પશ્ચિમ કચ્છના અન્ય વિસ્તારોમાં મોટાપાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે અને તેમાં હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. લોકોમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે મોટા જુગારધામો પકડવા માટે હંમેશાં એસએમસીને જ કેમ ગાંધીનગરથી આવવું પડે છે ? શું સ્થાનિક પોલીસને પોતાના વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શ્રાવણ માસ પૂર્વે જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે કડક વલણ નહીં અપનાવે તો ભુજ અને પશ્ચિમ કચ્છમાં જુગારનું આ દૂષણ યુવાધનને બરબાદીના પંથે ધકેલી દેશે તેમાં કોઈ બેમત નથી.



................................





ખાખીધારીઓના આશીર્વાદ અને હપ્તાખોરીનો આક્ષેપ 

જુગારની ક્લબો બેરોકટોક ચાલવા પાછળ પોલીસ અને બુટલેગરો/જુગારીઓ વચ્ચેની સાંઠગાંઠ હોવાના આક્ષેપો લાંબા સમયથી થતા રહ્યા છે. તાજેતરમાં રાજકોટ રેન્જની ટીમે ગોંડલમાં દરોડો પાડ્યો હતો, જેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે ગોંડલના ડીવાયએસપી કચેરીનો કોન્સ્ટેબલ જ આ હાઈ-પ્રોફાઈલ જુગાર ચલાવતો હતો. જાણકાર સૂત્રોનું માનીએ તો, જો કચ્છમાં પણ ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો ઘણા ખાખી વર્દીધારીઓના નામ જુગારની ક્લબો ચલાવવામાં કે તેને આશ્રય આપવામાં ખુલી શકે છે. મોટી જુગાર ક્લબોમાં પોલીસ કર્મચારીઓના સેટિંગ, હપ્તાખોરી અને નાલ ઉઘરાવવાના મોટા વ્યવહારો સામે આવે તો નવાઈ નહીં. 


.....................

નાના પર રોફ અને મોટા માથાઓને છાવરવાની નીતિ

સ્થાનિક પોલીસની કામગીરી પર નજર કરીએ તો, અવારનવાર નાના જુગારીઓને પકડીને દસ-પંદર હજાર રૂપિયાની રોકડ કબજે કરી કામગીરીનો સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ મોટી જુગાર ક્લબો પર ક્યારેય દરોડા પડતા નથી.

.................

ભુજમાં ભાગવા જતા એક યુવક ઈમારતથી પટકાયો


નાના જુગારીઓ પર કાર્યવાહી કરવાની બેવડી નીતિનું કરુણ પરિણામ તાજેતરમાં ભુજમાં જોવા મળ્યું હતું. ભુજમાં એક નાના દરોડા દરમિયાન પોલીસથી બચવા માટે ભાગવા જતાં એક યુવાન છત પરથી નીચે પટકાયો હતો. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.  પોલીસ નાના જુગારીઓ પાછળ દોડીને કડકાઈ દાખવે છે, પરંતુ મોટા જુગારધામ ચલાવતા માથાઓ પર કેમ કોઈ સકંજો કસવામાં આવતો નથી તે સવાલ ઉઠી રહ્યો છે.


 

Comments

COMMENT / REPLY FROM