અબડાસા સહિત લખપતના ગ્રામ્ય પંથકમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક સર્ચ ઓપરેશનનો ધમધમાટ
‘કચ્છઉદય’ના અહેવાલોની અસર : તંત્રનો સપાટો, ખનીજમાફિયાઓ ભૂગર્ભમાં
લીઝોમાં માલ પૂરો થયા બાદ આસપાસની સરકારી જમીનો પર ધાડ પાડી રોયલ્ટી પાસ મેળવવાના કૌભાંડ અને ઈસી વગર ચાલતી ગેરકાયદેસર ખાણો અંગે પ્રસિદ્ધ થયેલાં અહેવાલો બાદ પશ્ચિમ કચ્છ ખાણ-ખનીજ વિભાગ હરકતમાં આવ્યું : અબડાસાના કોઠારા અને આસપાસના લીઝ વિસ્તારોમાં ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમો ઉતારીને હાથ ધરાઈ સઘન તપાસ ધરાઈ હોવાના સંકેત : ખનીજ માફિયાઓ પોતાની લીલા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલ
ભુજ - કચ્છઉદય : સરહદી કચ્છ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરી એટલે કે એનવાયરન્મેન્ટલ ક્લિયરન્સના અભાવે તેમજ માઇનિંગ પ્લાનના ગંભીર ઉલ્લંઘનને કારણે સરકારી ચોપડે સીલ કરી દેવાયેલી ખાણ લીઝો પર રાત્રિના અંધકારમાં ચાલતી ગેરકાયદે ઉત્ખનન પ્રવૃત્તિ અને લીઝમાં ખનીજ ખાલી થઈ ગયા હોવા છતાં આજુબાજુની સરકારી જમીનોમાંથી ખનીજ ચોરી કરી રોયલ્ટી પાસ મેળવવાના કારસા અંગે ’કચ્છઉદય’ દ્વારા તાજેતરમાં જ શ્રેણીબદ્ધ પર્દાફાશ કરતા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સણસણતા અહેવાલોના પગલે ઊંઘતા ઝડપાયેલા પશ્ચિમ કચ્છ ખાણ-ખનીજ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને આખરે જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું છે. મળતી તાજી માહિતી અનુસાર ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા આ વિસ્તારોમાં વ્યાપક તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ આ વિસ્તારના ખનીજ માફિયાઓ પણ હાલે પોતાની ગેરપ્રવૃત્તિનો સંકેલો કરી ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલો મળી રહ્યા છે.નોંધનીય છે કે, અંજાર, ભુજ, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સીલ થયેલી લીઝો પરથી બેન્ટોનાઇટ, ચાઇનાક્લે, બોક્સાઇટ અને રેતી જેવા મૂલ્યવાન ખનીજોની બેફામ ચોરી થતી હોવાનો મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ભુજ નજીકના પધ્ધર, ધાણેટી, મમુઆરા, લાખોદ, ડગાડા અને મોખાણા જેવા ગ્રામીણ વિસ્તારોમાં રાતોરાત ચાઇનાક્લે અને બોક્સાઇટનું કાળું કારોબાર ચાલતું હોવાની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત, જૂની અને માન્ય લીઝ સાઇટ્સ પરથી મૂળ ખનીજ ખૂટી ગયું હોવા છતાં કેટલાક ભૂમાફિયાઓ આસપાસની સરકારી પડતર કે ગૌચર જમીનમાંથી ગેરકાયદે ઉત્ખનન કરી માલ પોતાની લીઝ પર ડમ્પ કરતા હતા અને ત્યાંથી સત્તાવાર રોયલ્ટી પાસ મેળવીને કાયદેસરના નામે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હતા.આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ’કચ્છઉદય’ દ્વારા આ સમગ્ર મોડસ ઓપરેન્ડી અને ભૂમાફિયાઓની મિલીભગતને ઉજાગર કરવામાં આવ્યા બાદ પશ્ચિમ કચ્છ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. અધિકારીઓની વિશેષ ટીમો બનાવીને ખાસ કરીને અબડાસા તાલુકાના કોઠારા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત લખપત તાલુકામાં આવેલી લીઝોની આજુબાજુના વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. સરકારી દફતરે બંધ બોલાવાયેલી અને જ્યાં ખનીજ ખતમ થઈ ગયું છે તેવી સાઇટ્સની સીમાઓનું રી-સર્વે હાથ ધરીને ગેરકાયદે ખનન પકડવા માટે ઓચિંતા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ અચાનક કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ખનિજ માફિયાઓ અને ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફાળ પડી છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો તંત્રના આ કડક વલણને આવકારી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ તપાસ માત્ર નામ પૂરતી કે કાગળ પર ન રહેતા, ગેરકાયદેસર રીતે ઇસ્યુ થયેલા રોયલ્ટી પાસ મેળવનારા કૌભાંડીઓ અને તેમને સાથ આપનારા જવાબદારો સામે દાખલારૂપ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી કચ્છની અમૂલ્ય કુદરતી સંપત્તિ અને સરકારી મહેસૂલનું રક્ષણ થઈ શકે.

Comments