Trending News
સ્થાનિક સમાચાર

ભારે વરસાદની આગાહી વચ્ચે ગાંધીધામ તંત્ર એલર્ટ મોડમાં

02 August




સંભવિત સ્થળાંતર માટે ૨૮ આશ્રયસ્થાનો નક્કી કરાયા; મહાનગરપાલિકાએ સંસ્થાઓ સાથે સંકલન બેઠક યોજી


ગાંધીધામ- કચ્છઉદય : કચ્છ સહિત ગાંધીધામ વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સંભવિત આપાતકાલીન પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેમજ સ્થળાંતરની કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાએ વિવિધ સંસ્થાઓ સાથે સંકલન બેઠક યોજી હતી.
મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, સેનિટેશન કમિટીના ચેરમેન ગેલાભાઈ ભરવાડ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ભારે વરસાદથી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિઓ અને તેના નિવારણ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
શહેર તથા તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં જો લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થાય તો તે માટે ૨૮ શાળાઓને આશ્રયસ્થાન તરીકે તૈયાર રાખવામાં આવી છે. આ તમામ સ્થળોએ વીજળી, પીવાના પાણી અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવામાં આવી છે. ઉપરાંત રાહત કામગીરી માટે જરૂરી માનવબળ અને સાધનસામગ્રી પણ તૈયાર રાખવામાં આવી છે.
બેઠકમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આપત્તિ સમયે મહાનગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. રાહત, બચાવ અને સ્થળાંતર કામગીરીમાં સંકલિત પ્રયાસો દ્વારા નુકસાન ઓછું કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૬ કલાક દરમિયાન ગાંધીધામ સંકુલમાં અંદાજે સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ સજ્જ બની સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
......

 

Comments

COMMENT / REPLY FROM