મ્યુઝિકલ હાઉઝી કિંગ લયભાઈ અંતાણીને હાટકેશ સેવા મંડળ સહિત વિવિધ સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ આપી
ભુજ - કચ્છઉદય : સમગ્ર ગુજરાત, મુંબઈ અને દેશમાં મ્યુઝિકલ હાઉઝી કિંગ તરીકે ખ્યાતિ મેળવનાર કચ્છની સમસ્ત નાગર જ્ઞાતિના આદિપુર નિવાસી લયભાઈ હેમાંશુભાઈ અંતાણીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયા અંગેના સમાચારથી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ, અમદાવાદ, વડોદરા ,સુરત, રાજકોટ તેમજ સમગ્ર કચ્છ, ગુજરાતમાં સમસ્ત નાગર જ્ઞાતિ, અન્ય જ્ઞાતિઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કલાકારોમાં ઊંડા શોક અને આઘાતની લાગણી ફેલાઈ હતી.
હાટકેશ સેવા મંડળ, હાટકેશ અંબિકા મહિલા મંડળ તેમજ તેને સંલગ્ન સંસ્થાઓ દ્વારા યોજાયેલ શોકસભાને સંબોધન સાથે શ્રદ્ધાંજલિ આપતા સંસ્થાના પ્રમુખ વિભાકરભાઈ અંતાણી, હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી, ગાંધીધામ નાગર જ્ઞાતિના પ્રમુખ ધીરેનભાઈ છાયા, હાટકેશજનના તંત્રી અવિનાશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું કે, કચ્છમાં મ્યુઝિકલ હાઉઝી કાર્યક્રમની સૌ પ્રથમ શરૂઆત કરનાર નાગર જ્ઞાતિના આદિપુર નિવાસી યુવાન કલાકાર લયભાઈ અંતાણીએ ખુબ નાની વયે ભુજ, ગાંધીધામ, આદિપુર, અંજાર વડોદરા, અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ ભારતભરના મોટા તેમજ નાના શહેરોમાં મ્યુઝિકલ હાઉઝીના કાર્યક્રમો યોજીને નાગર જ્ઞાતિ, અન્ય જ્ઞાતિઓ, સમાજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે યોજી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતતું. તેઓ ચાલુ કાર્યક્રમની સાથે બાળકો, યુવાનો, વડીલોને સાંકળી તેઓ એક કુટુંબીજન હોય તે રીતે કાર્યક્રમમાં સૌને સામેલ કરતા હતા. લયભાઈ અંતાણી લાગણીશીલ, પ્રેમાળ, પ્રામાણિક, બીજાને મદદરૂપ થવાની શુભ ભાવના તેમજ રમુજી અને આનંદી સ્વભાવને કારણે નાગર જ્ઞાતિ તેમજ અન્ય સમાજ, શૈક્ષણિક સંસ્થા સાથે એકદમ ભળી જઈ વિશાળ સંખ્યામાં મિત્ર વર્તુળ ઊભું કરી શક્યા હતા. આદિપુર પી.એન. હાઇસ્કુલના વાઈસ પ્રિન્સિપાલ અને આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતા લયભાઈના યુવાન વયે દુઃખદ અવસાનથી સંસ્થાએ એક આદર્શ માર્ગદર્શક, શુભેચ્છક, સલાહકારની વિદાયથી કદી ન પુરાય તેવી ખોટ સદાયે સાંપડતી રહેશે.
------

Comments