ટાટ પરીક્ષા છેલ્લી ઘડીએ રદ્દ થતાં કચ્છના ઉમેદવારોને હાલાકી અને આર્થિક ફટકો
ભારે વરસાદની આગાહીને કારણે છેલ્લી ઘડીએ તકલીફ ન થાય એટલે કચ્છના ઉમેદવારો પરીક્ષા આપવા વહેલા પહોંચી ગયા અને પરીક્ષા લેવાના ચાર કલાક પહેલા પરીક્ષા મોકુફ રખાઇ : હવે જ્યારે પરીક્ષાર્થીઓને ધરમધક્કો પડ્યો છે ત્યારે પરીક્ષા માટે ભુજમાં જ કેન્દ્ર ફાળવવાની ઉગ્ર માંગ : આઠ દિવસ પછી ભુજના ઉમેદવારોની ભુજમાં જ પરીક્ષા ગોઠવાય તે માટે ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા તરફ સર્વ ઉમેદવારોની નજર
ભુજ - કચ્છઉદય : ભારે વરસાદની આગાહીને પગલે પરીક્ષા શરૂ થવાના અંદાજે ચાર કલાક પહેલાં જ રદ કરવામાં આવતા કચ્છના અનેક પરીક્ષાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પરીક્ષા માટે અમદાવાદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોવાથી કચ્છના મોટાભાગના ઉમેદવારો સંભવિત વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ અને મુસાફરીમાં વિલંબ જેવી આશંકાને ધ્યાનમાં રાખીને એક દિવસ અગાઉ જ અમદાવાદ પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત થતાં ઉમેદવારોના ટ્રેન-બસના ભાડા, હોટલમાં રોકાણ, ભોજન તેમજ અન્ય ખર્ચાઓ વ્યર્થ ગયા છે. આર્થિક નુકસાનની સાથે ઉમેદવારોને માનસિક તણાવ અને અનિશ્ચિતતાનો પણ સામનો કરવો પડ્યો છે.ઉમેદવારોમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે કચ્છના પરીક્ષાર્થીઓને અમદાવાદ કેન્દ્રના કારણે અવારનવાર લાંબી મુસાફરી, વધારાનો ખર્ચ અને અન્ય મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ વખતે તો કુદરતી પરિસ્થિતિને કારણે પરીક્ષા રદ્દ થતાં તેમની મુશ્કેલી અનેકગણી વધી ગઈ છે. હાલમાં મળતી માહિતી મુજબ આગામી આઠથી દસ દિવસમાં પરીક્ષા ફરી યોજવાની શક્યતા છે ત્યારે ઉમેદવારોની એક જ માંગ છે કે પુનઃપરીક્ષા માટે કચ્છના ઉમેદવારોને ભુજમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે, જેથી ફરીથી મુસાફરી અને રહેવાના ખર્ચાનો બોજ ન પડે તેમજ ઉમેદવારોને અનાવશ્યક હાલાકીમાંથી મુક્તિ મળે.
કચ્છના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા કચ્છના વિદ્યાર્થીઓની લાગણી અને મુશ્કેલીને ધ્યાનમાં લઈને સરકાર તથા સંબંધિત તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પુનઃપરીક્ષા માટે ભુજમાં પરીક્ષા કેન્દ્ર મંજૂર કરાવે તેવી કચ્છભરના ઉમેદવારો અને તેમના વાલીઓની પ્રબળ અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. પરીક્ષાર્થીઓનું માનવું છે કે કચ્છ જેવા વિશાળ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવાથી હજારો યુવાનોનો સમય, ખર્ચ અને પરેશાની બચી શકે છે. તેથી સરકાર ઉમેદવારોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લઈને પુનઃપરીક્ષા ભુજ ખાતે યોજે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.
----------

Comments