Trending News
સ્થાનિક સમાચાર

એસ.જી.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી ગુરૂકુલ કોડાય - માંડવીના શિરે વધુ એક ગૌરવનો તાજ

31 July


કચ્છ માટે ઐતિહાસિક સિદ્ધિ


સ્ટાર્ટઅપ ગુજરાત દ્વારા સત્તાવાર નોડલ સેન્ટર તરીકે મંજૂરી : હવે કચ્છના સ્ટાર્ટઅપ્સને પોતાના જિલ્લામાં જ મળશે સરકારના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો લાભ


માંડવી - કચ્છઉદય : કચ્છના શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિ નોંધાઈ છે. સ્વામિનારાયણ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી ગુરુકુલ કોડાય, માંડવીને ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ ગુજરાત પહેલ હેઠળ સત્તાવાર નોડલ સેન્ટર તરીકે મંજૂરી પ્રાપ્ત થઈ છે. આ માન્યતા સાથે સંસ્થા હવે કચ્છ જિલ્લામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં, નવીનતા પ્રોત્સાહિત કરવામાં અને યુવા ઉદ્યોગસાહસિકોને સરકારની વિવિધ યોજનાઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પાછળ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના જાણીતા નિષ્ણાત બિનુ પિલ્લાઈના દુરંદેશી વિઝન, વ્યૂહાત્મક આયોજન, સતત પ્રયત્નોે અને અવિરત મહેનતનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ કચ્છમાં ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ઇનોવેશન, કૌશલ્ય વિકાસ અને સરકારની યોજનાઓને યુવાનો સુધી પહોંચાડવા માટે કાર્યરત રહ્યા છે. તેમના સમર્પિત પ્રયાસોના પરિણામે એસજીજે ઇન્સ્ટિટ્યૂટને સ્ટાર્ટઅપ ગુજરાત  સત્તાવાર નોડલ સેન્ટર તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. 
આ પ્રસંગે પૂજ્ય સ્વામી કૃષ્ણજીવનદાસજી મહારાજે બિનુ પિલ્લાઈના આ પ્રયાસોને હાર્દિક બિરદાવ્યા હતા અને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાનું સંકલન સમાજ અને રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે અનિવાર્ય છે. તેમણે જણાવ્યું કે, આ નોડલ સેન્ટર કચ્છના યુવાનોમાં આત્મવિશ્વાસ, નવીનતા અને સ્વરોજગારની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
આ કેન્દ્રનો મુખ્ય હેતુ કચ્છના યુવાનોને પોતાના જિલ્લામાં જ યોગ્ય માર્ગદર્શન, મેન્ટરશિપ અને સરકારની સ્ટાર્ટઅપ યોજનાઓ સુધી પહોંચ સુલભ બનાવી તેમને સફળ ઉદ્યોગસાહસિક તરીકે વિકસાવવામાં સહાય કરવાનો છે. બિનુ પિલ્લાઈએ જણાવ્યું હતું કે, કચ્છ પાસે પ્રતિભા, સંકલ્પ અને નવીન વિચારોનો અમૂલ્ય ખજાનો છે. હવે સ્ટાર્ટઅપ ગુજરાત નોડલ સેન્ટર દ્વારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન, મેન્ટરશિપ અને સરકારના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડાવાનું સશક્ત માધ્યમ મળશે. અમારું લક્ષ્ય માત્ર સ્ટાર્ટઅપ્સ શરૂ કરવાનું નથી, પરંતુ કચ્છમાંથી રાષ્ટ્રીય અને વેશ્વિક સ્તરે સફળ ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનું છે.
સંસ્થાએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં સ્ટાર્ટઅપ અવેરનેસ કાર્યક્રમો, ઇનોવેશન વર્કશોપ, હેકાથોન, મેન્ટરશિપ સત્રો, બિઝનેસ પ્લાન સ્પર્ધાઓ, ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમો, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ પહેલ અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
એસ.જી.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્ટાર્ટઅપ ગુજરાત નોડલ સેન્ટરના સત્તાવાર લોન્ચ અને ઉદ્દઘાટન કાર્યક્રમની તારીખ ટૂંક  સમયમાં જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિષ્ણાતો, રોકાણકારો, શિક્ષણવિદો અને કચ્છના યુવા ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. એસ.જી.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી. ગુરુકુલ કોડાય, માંડવીએ સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને ઇનોવેટર્સને આ નોડલ સેન્ટર સાથે જોડાઈ સરકારની વિવિધ યોજનાઓ, નિષ્ણાત માર્ગદર્શન અને ઉપલબ્ધ તકોનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એસ.જી.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી, ગુરુકુલ કોડાય, કચ્છ જિલ્લાની એકમાત્ર સ્વનિર્ભર ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે, જેને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી હેઠળ ગ્રાન્ટી સંસ્થા તરીકે માન્યતા પ્રાપ્ત છે. 
-------

સ્ટાર્ટઅપ ગુજરાત નોડલ સેન્ટર શું કરશે ?

સ્ટાર્ટઅપ ગુજરાત  નોડલ સેન્ટર તરીકે એસ.જી.જે. ઇન્સ્ટિટ્યૂટ હવે કચ્છના વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકો, મહિલા ઉદ્યોગસાહસિકો, એમએસએમઈ એકમો અને નવીન વિચારો ધરાવતા નાગરિકો માટે સરકાર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વચ્ચે એક સશક્ત સેતુ તરીકે કાર્ય કરશે.
આ કેન્દ્ર દ્વારા સ્ટાર્ટઅપ ગુજરાત તથા સ્ટાર્ટઅપ ઈન્ડિયા  અંગે માર્ગદર્શન, ડીપીઆઈઆઈટી સ્ટાર્ટઅપ માન્યતા માટે સહાય, પાત્ર સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ માટે અરજી પ્રક્રિયામાં માર્ગદર્શન, પ્રોટોટાઇપ વિકાસ અને પ્રોડક્ટ વેલિડેશન માટે સહયોગ, સીડ સપોર્ટ, સ્ટાર્ટઅપ ગ્રાન્ટ અને અન્ય ઉપલબ્ધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન , મેન્ટરશિપ, બિઝનેસ મોડેલ વિકાસ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નાણાકીય આયોજનમાં નિષ્ણાત માર્ગદર્શન, પેટન્ટ, ટ્રેડમાર્ક, કૉપિરાઇટ અને બૌદ્ધિક સંપત્તિ અધિકારો અંગે માર્ગદર્શન,  ઇન્ક્યુબેશન, એક્સેલરેશન, હેકાથોન, સ્ટાર્ટઅપ બૂટકેમ્પ અને ઉદ્યોગસાહસિકતા, રોકાણકારો, ઉદ્યોગો, ઇન્ક્યુબેટર્સ અને મેન્ટર નેટવર્ક સાથે જોડાવાની તક, મહિલા, ગ્રામ્ય અને વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકો માટે વિશેષ માર્ગદર્શન તથા ઉદ્યોગો સાથે ઇન્ટર્નશિપ, લાઇવ પ્રોજેક્ટસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગની તકો પૂરી પાડશે.
---------

Comments

COMMENT / REPLY FROM