ભુજની ધન્વંતરિ સ્કૂલના દિવ્યાંગ બાળકોએ બનાવી ૪ હજાર રાખડી
વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ રાખડી ખરીદીને બાળકોને આપ્યું પ્રોત્સાહન
ભુજ : રક્ષાબંધન પર્વ નજીક આવતાં બજારોમાં રંગબેરંગી રાખડીઓની ખરીદી જામી છે. ત્યારે ભુજની ધન્વંતરિ સ્કૂલના દિવ્યાંગ બાળકોએ પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. હિયરિંગ ઇમ્પેરમેન્ટ, ઇન્ટેલેક્ટ્યુઅલ ડિસેબિલિટી અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોએ પોતાની સર્જનાત્મકતા અને મહેનતથી હજારો રાખડીઓ બનાવી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.શાળાના વોકેશનલ ટ્રેનર હસ્મિતાબેને જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓને સીઝન મુજબ વિવિધ હસ્તકલાની તાલીમ આપવામાં આવે છે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ અપાઈ હતી. મે મહિનાથી શરૂ થયેલી આ કામગીરી દરમિયાન ઉનાળાના વેકેશનનો પણ સદુપયોગ કરીને બાળકોએ અઢીથી ત્રણ મહિનાની મહેનત બાદ અંદાજે ૩ હજારથી ૪ હજાર રાખડીઓ તૈયાર કરી છે. બાળકો દ્વારા બનાવાયેલી રાખડીઓની કિંમત માત્ર ૫થી શરૂ થઈ ૨૫૦ સુધી રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના લોકો તેને ખરીદી શકે. વિવિધ સંસ્થાઓ અને નાગરિકો પણ આ રાખડીઓ ખરીદીને બાળકોના પ્રયાસને પ્રોત્સાહન આપી રહ્યા છે.તેઓએ લોકોને અપીલ કરી છે કે વધુમાં વધુ લોકો આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ ખરીદીને તેમના આત્મવિશ્વાસ અને સ્વાવલંબનના પ્રયાસને બળ આપે. બાળકોની આ સર્જનાત્મક પહેલ માત્ર રક્ષાબંધનનો ઉત્સવ જ નહીં, પરંતુ આત્મનિર્ભરતા અને હિંમતનો પણ સુંદર સંદેશ આપે છે.
--------

Comments