ભાજપના રાજમાં ભ્રષ્ટાચારે માજા મૂકી : વી.કે. હુંબલ
નર્મદા કેનાલ ઉપરના પુલો પાંચ વર્ષમાં જ જર્જરીત થાય છે અને તોડવા પડે છે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં કચ્છ કલેકટરનું એક જાહેરનામું બહાર પડેલ છે, જેમાં નર્મદા કેનાલ ઉપરના હમીરપર ગામ, વાંઢીયા તેમજ અગાઉ સુખપર લુણવા બાજુના પુલો વાહન અવર-જવર માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે ત્યારે આ નર્મદા કેનાલના કામોમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જે સરકારી કામો મંજુર થાય ત્યારે કોઈપણ બાંધકામ સો વર્ષની મુદ્દત સુધી સ્ટ્રક્ચર મજબૂતાઈથી ઉભું રહેવું જોઈએ, પરંતુ કચ્છ નર્મદા કેનાલ અત્યાર સુધી પૂરી કાર્યરત પણ થયેલ નથી અને માત્ર પાંચથી છ વર્ષની અંદર કેનાલ ઉપરના પુલો જર્જરીત અને ભયજનક બની ગયેલ છે તથા અનેક જગ્યાઓએ જાહેરનામા બહાર પાડી અને પુલો ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડેલ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી વારંવાર દાવાઓ કરે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને નર્મદા કેનાલના કામોમાં મંજુર થયેલ રકમમાંથી માત્ર ૪૦ % રકમ વપરાય છે અને ૬૦ % રકમ ભાજપના કમલમ ગાંધીનગર સુધી પહોંચે છે તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે કર્યો છે.
શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા કેનાલમાં દરવર્ષે ગાબડાઓ પડે છે, કેનાલો તૂટે છે જેના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. નર્મદા કેનાલ બનાવતી વખતે હલ્કી ગુણવત્તાનું મટીરીયલ વપરાય છે. યોગ્ય માટી કામ થયેલ નથી. રોલિંગ વોટરીંગ કરવામાં આવેલ નથી, જેના કારણે દર વર્ષે કેનાલો તૂટે છે અને અબજો રૂપિયા ખવાય છે. કચ્છના અનેક બિલ્ડીંગો માત્ર ૧૫ થી ૨૦ વર્ષમાં જ જર્જરીત બની જાય છે અને તેને તોડવાની ફરજ પડે છે તો આના માટે જવાબદાર કોણ દ્ય અત્યારે કચ્છમાં રેતી મળતી નથી જેના બદલે ચાઈનાકલેમાંથી નીકળતી સિલિકાઓનો ઉપયોગ સ્લેબ અને બ્રીજોમાં કરવામાં આવે છે. ખરેખર જેનું ટેસ્ટીંગ થયેલ છે કે નહિ ? અને રેતીની જગ્યાએ અત્યાર તે સિલિકા વપરાય છે જેની માન્યતા મળેલ છે કે કેમ ? જેની પણ કચ્છ કલેકટર તપાસ કરાવે. કચ્છમાં ભાજપના સાંસદ, ધારાસભ્યો, ભાજપના નેતાઓ ઉદ્દઘાટનોમાં તો માહિર છે, પરંતુ આવા નબળા કામો માટે જવાબદાર છે કે કેમ તેનો પણ ખુલાશો કરવો જોઈએ. ભાજપ હંમેશા એવું કે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ તેમજ અમે તો તોડવાનું કામ પણ અમે જ કરીએ છીએ તેવું બોલવું જોઈએ કારણકે આ બધું ભાજપની સરકારમાં સંભવ છે.
----

Comments