ભુજમાં સિવિલ સર્જનની કચેરીની જપ્તીની કાર્યવાહી શરૂ
વૈકલ્પિક વ્યવસ્થા માટે કચેરી મેન્ટલ હોસ્પિટલમાં ખસેડાઈ
ભુજ : કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી સિવિલ સર્જનની કચેરીમાં શુક્રવારે કોર્ટના આદેશથી જપ્તીની કાર્યવાહી શરૂ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વર્ષો જૂના તબીબના કેસમાં સરકાર દ્વારા કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે અદાલતે કડક વલણ અપનાવતાં કચેરીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ લખાય છે, ત્યારે મૂળ ફરિયાદી દ્વારા કચેરીને તાળુ મારી કચેરીને પોતાના કબ્જામાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકી લેણી રકમની ચૂકવણી કરાશે, ત્યારે કબ્જો પાછો આપી દેવાશે.મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૭માં અદાલતે નિવૃત્ત તબીબી અધિકારી ડો. હિરજી હરજી ભુડિયાને ગ્રેજ્યુટી, રજા પગાર સહિત કુલ ૮૩.૮૨ લાખ ચૂકવવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો. જોકે આઠ વર્ષ વીતી જવા છતાં રકમની પૂર્ણ ચૂકવણી ન થતાં અદાલતે પહેલા ડિસેમ્બર મહિનામાં કચેરીની મુવેબલ મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો ત્યારબાદ પણ લેણીનો નિકાલ ન થતાં હવે આખી કચેરીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી વચ્ચે સૌથી મોટી ચિંતા એ છે કે કચ્છમાં છેલ્લા બે વર્ષથી કાયમી સિવિલ સર્જનની નિમણૂક જ થઈ નથી. હાલ સમગ્ર વહીવટ ઇન્ચાર્જ અધિકારીના ભરોસે ચાલી રહ્યો છે. પરિણામે અનેક વહીવટી પ્રશ્નોના સમયસર ઉકેલમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કચેરી જપ્તીની કાર્યવાહીને કારણે હવે સિવિલ સર્જન કચેરીનો વહીવટ કેમ્પ એરિયામાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેના કારણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, દિવ્યાંગ પ્રમાણપત્ર, હેલ્થ લિકર પરમિટ, પોસ્ટમોર્ટમ સંબંધિત કામગીરી અને અન્ય દસ્તાવેજી કામ માટે આવતા અરજદારોને જી.કે. જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાવા પડશે.

Comments