નખત્રાણામાં નશો કરવા માટે વપરાતા હેન્ડ સેનિટાઈઝર પકડાયા
ચાની હોટલ, કોલ્ડ્રીંકસની દુકાનોમાં સ્થાનીક પોલીસની આકસ્મિક તપાસમાં ભાંડો ફુટ્યો
ભુજ - કચ્છઉદય : હાલમાં સમગ્ર દેશમાં ઈથેનોલનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે નખત્રાણામાં ચાની હોટલ, કોલ્ડ્રીંકસની દુકાનોમાં સ્થાનીક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ઈથેનોલ સાથેના હેન્ડ સેનિટાઇઝર પકડાયા હતા. આ હેન્ડ સેનિટાઇઝરમાં ઈથેનોલ વપરાતો હતો, જેનો ઉપયોગ નશા માટે કરાતો હતો.
નખત્રાણા પોલીસે શહેરના વિશ્વકર્મા માર્કેટમાં બાપા સીતારામ કોમ્પલેક્ષમાં આવેલ શીવ ઓમ શક્તિ ટી સ્ટોલ, મંગવાણા ચોકડી પાસે આવેલ મન્નત કોલ્ડ્રીંકસ, ઓસીપી માર્કેટમાં આવેલ શીવ શક્તિ ટી સ્ટોલમાં દરોડા પાડીને ૧૦૦ એમએલની ૪૦ અને ૪૦૦ એમએલની ૧૧૪ બોટલો કબજે કરી પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે. ૧૦૦ એમએલની ૪૦ બોટલો પર હેન્ડ રબ અને આ બનાવટમાં ૬૦ ટકા ઈથેનોલ વપરાયું હોવાનું સ્પષ્ટ લખેલું છે. જો કે ૪૦૦ એમએલની ૧૧૪ બોટલ પર કોઈ પણ જાતનું લખાણ નથી. પુછપરછમાં સામે આવ્યું કે, નશો કરવા વાળા લોકો ૧પ૦ થી ર૦૦ રૂપિયામાં આવી બોટલો ખરીદી છે. પોલીસે જયેશપુરી ગુસાઈ, મોહમદ જાવેદ અબ્દુલ ગની ભટ્ટી, નિકુલ કરશનગીરી ગોસ્વામી નામના દુકાનદારો સામે ગુનો દાખલ કર્યો છે. માલ ગઢશીશાથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે, કોરોનામાં હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ વધ્યો હતો. ત્યારથી નશેડીઓ નશો કરવા માટે સેનિટાઈઝર તરફ વળ્યા છે. ઘણી દુકાનોમાં હર્બલ ટોનીક, કફ શીરપના નામે પણ નશો વેચાતો હોવાનું અગાઉ ઘણી વખત સપાટી પર આવી ચુકયું છે.

Comments