Trending News
ક્રાઈમ

ભુજ સમીપે પૈયા ગામની સીમમાંથી કતલખાનું ઝડપાયું

31 July


એલસીબીએ પાડેેલા દરોડામાં ૧૦૦ કિલો ગૌમાસ ઝડપાયું : હથિયારો સાથે નાના વરનોરાના બે ઈસમ પકડાયા : નાના વરનોરા ગામના જ ત્રણ ઈસમો ફરાર

ભુજ - કચ્છઉદય : તાલુકાના પૈયા ગામની સીમમાં ચાલતું કતલખાનું ઝડપાયું છે. બાતમીના આધારે એલસીબી દ્વારા ગઈકાલે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં સીમમાં ગૌવંશની કતલ કરવામાં આવતી હતી. સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાસ તેમજ અન્ય હથિયારો મળી આવ્યા છે. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના પૈયા ગામની સીમમાં ગૌવંશને લઈ આવી કોઈપણ જાતની પરવાનગી વિના હિન્દુ ધર્મની લાગણી દુભાય તે રીતે ગાયની ક્રુરતાપુર્વક હત્યા કરી કતલખાનું ચલાવતા હોવાની બાતમી આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાસ મળી આવ્યું હતું. આ સાથે ત્રણ કોયતા, છ નાની મોટી છરી, બે પાવડા, વજન કાંટો તેમજ લોખંડની ટામી, પાવડો, નાના મોટા રસ્સા, તાલપત્રી તેમજ ટ્રેકટર, બોલેરો નંબર જી.જે.૧ર. એઝેડ પ૦૯ર સહિત પ.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી નાના વરનોરા ગામના કરીમ ભચુ મમણ અને હનીફ આમદ ત્રાયાની ધરપકડ કરવામાં આવી છે. જયારે નાના વરનોરા ગામના જીયાદ કરીમ મમણ, આદીલ જુમ્મા ઉર્ફે ડાડા મમણ, અલ્લાઉદીન હનીફ ત્રાયા ભાગી છુટયા છે. પાંચેય ઈસમો સામે માધાપર પોલીસમાં પશુ સંરક્ષણ સુધારા અનિધિયમ તેમજ પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભાગી છુટેલા અન્ય ત્રણ ઈસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, ગત રર જુલાઈના એલસીબીએ ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડી કતલખાનું પકડયું હતું. ત્યારે આદમ અલીમામદ કુંભારની ધરપકડ કરી ૪૦ કિલો પશુ માસ કબજે કરવામાં આવ્યું હતું. જેના અઠવાડીયા પછી માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતલખાનાની બીજી રેડ એલસીબી દ્વારા કરવામાં આવી છે. 


......................

પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની ટીમનો સપાટો


પોલીસની  સમયસૂચકતા અને કડક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ : અસામાજિક પ્રવૃત્તિઓ પર સીધી નજરઃ એલસીબી અને માધાપર પોલીસની સમયસરની ત્વરિત કાર્યવાહી બિરદાવા યોગ્ય

સુમરાસર (શેખ) બાદ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં પૈયા ગામની સીમમાંથી કતલખાનું ઝડપી પાડીને એલસીબી અને માધાપર પોલીસની ટીમે શાનદાર સમયસૂચકતા અને બાતમી નેટવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું


ગાંધીધામ : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ અને એલસીબી ટીમ ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. સુમરાસર (શેખ) બાદ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં પૈયા ગામની સીમમાંથી કતલખાનું ઝડપી પાડીને એલસીબી અને માધાપર પોલીસની ટીમે શાનદાર સમયસૂચકતા અને બાતમી નેટવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુનેગારો ગમે તેવા પંથકમાં છુપાઈને ગેરકાયદે પ્રવૃત્તિ આચરવાનો પ્રયાસ કરે, પરંતુ એસપી વિકાસ સુંડાની એલર્ટ ટીમની તીક્ષ્ણ નજરથી બચી શકતા નથી.ગૌવંશ કતલખાના પર ત્વરિત દરોડો પાડી મુદ્દામાલ જપ્ત કરવો તથા ગેરકાયદેસર બંદૂક શોધી કાઢવી - આ બંને સફળ કામગીરી દર્શાવે છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર 
પૂરેપૂરું કટિબદ્ધ છે. એસપી વિકાસ સુંડા અને તેમની ટીમની આ કડક અને ત્વરિત કાર્યવાહીથી પંથકના અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગઈ છે.

...................

પૈયા ગામે પતરામાં છુપાવેલી બંદુક મળી

ભુજ - કચ્છઉદય : તાલુકાના પૈયા ગામે મકાનના આંગણામાં આવેલ બાથરૂમમાં ઢાંકેલા સીમેન્ટના પતરામાંથી બંદુક મળી આવી હતી. આ બાબતે માધાપર પોલીસના જણાવ્યા પ્રમાણે દેશી બનાવટની મજલ લોડ બંદુક મળી આવી હતી. જેની કિંમત ર હજાર આંકવામાં આવી હતી. લાયસન્સ કે પરવાના વીના બંદુક રાખવામાં આવી હોવાથી જાકબ ઉર્ફે આધુ ઈબ્રાહીમ મોખા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM