ભુજની આર.આર. લાલન કોલેજમાં ભારતીય મનોવિજ્ઞાન દિવસની કરાઈ ઉજવણી
ભુજ - કચ્છઉદય : ભુજની આર.આર. લાલન કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારતીય મનોવિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત ‘શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મનોવિજ્ઞાન’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઇસ્કોન સંસ્થાના સંદીપજીએ પોતાના વ્યાખ્યાનમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મનોવિજ્ઞાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક આધ્યાત્મિક ગ્રંથ નથી,પરંતુ માનવ મન, વિચારો, ભાવનાઓ અને વર્તનને સમજાવતો એક શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. તેમણે સ્થિતપ્રજ્ઞના વર્ણન દ્વારા માનસિક સ્થિરતા અને આવેગાત્મક સંતુલન વિશે વિસ્તૃત સમજ આપતા દૈવી અને આસુરી ગુણોને વ્યક્તિત્વના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ સાથે સાંકળીને જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાના ઉપદેશો આજના સમયમાં તણાવ વ્યવસ્થાપન, આવેગ નિયંત્રણ,હકારાત્મક વિચારસરણી અને વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રશ્નોત્તરી સત્રમાં વિવિધ પ્રશ્નો પૂછી પોતાના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.સી.એસ.ઝાલા તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.પલ્લવી આર. ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના મુલાકાતી અધ્યાપિકા ધ્યાનિકા કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે મુલાકાતી અધ્યાપક કર્મદીપસિંહ જે. જાડેજાએ આભારવિધિ કરી હતી. જ્યારે કાર્યક્રમના સફળ આયોજન અને વ્યવસ્થાપનમાં મુલાકાતી અધ્યાપિકા રિયાબેન આગઠનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.
----------------

Comments