કંગના રણૌતના નિવેદન સામે ભુજમાં મહિલા કોંગ્રેસનો વિરોધ
ભુજ - કચ્છઉદય : સાંસદ અને અભિનેત્રી કંગના રણૌત દ્વારા જનરેશન ઝેડ અને મહિલાઓ વિરૂદ્ધ કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં ભુજના વાણિયાવાડ વિસ્તાર ખાતે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાસિંહ ચૌધરીએ મીડિયા સમક્ષ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કંગના રણૌતને ભારતની નારીઓ કે યુવાઓ વિશે આવી અનુચિત ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભારત એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સાવિત્રીબાઈ ફૂલે અને ઇન્દિરા ગાંધી જેવી મહાન નારીઓનો દેશ છે, જ્યાં દેશની આઝાદી અને પ્રગતિમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંગના પોતાના બડબોલાપણ માટે જાણીતા છે અને ભૂતકાળમાં એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાનો દ્વારા પડેલી થપ્પડ કદાચ તેઓ ભૂલી ગયા છે. જો તેઓ દેશની દિકરીઓ અને યુવાનોનું આ રીતે અપમાન કરવાનું ચાલુ રાખશે, તો તેમણે પોતાના બીજા ગાલ પર પણ થપ્પડ ખાવા માટે તૈયાર રહેવું પડશે. પેપર લીક અને અન્ય શૈક્ષણિક ગેરરીતિઓ સામે ન્યાય માંગવા એકત્ર થયેલી યુવતીઓ અને વિદ્યાર્થીઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments